ઈરાન પરમાણુ બોમ્બ તૈયાર કરે તો અમે પણ બનાવશું, સાઉદી અરબના પ્રિન્સ સલમાને આપી ધમકી
સાઉદી અરબ ના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો સાઉદી અરબનો હરીફ દેશ ઈરાન પરમાણુ બોમ્બ તૈયાર કરી લેશે તો તે પણ પરમાણુ બોમ્બ બનાવી લેશે. તેમણે કહ્યું કે જો ઈરાન પાસે એક બોમ્બ હશે તો અમારી પાસે પણ એક હોવો જોઈએ. તેમને એક વીડિયો ક્લિપમાં આ ટિપ્પણી કરતાં સાંભળી શકાય છે.
મોહમ્મદ બિન સલમાને કહ્યું કે જ્યારે પણ કોઈ દેશ પરમાણુ હથિયાર મેળવી લે છે તો બીજો દેશ ચિંતિત થાય છે. જોકે કોઈપણ દેશને પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો જોઈએ.
જો કોઈ દેશ આવું કરે તો તેને આખી દુનિયા વિરુદ્ધ યુદ્ધ સમાન માનવામાં આવે છે. તેમણે કહ્યું કે દુનિયા બીજું હિરોશિમા જોઈ નહીં શકે. જો દુનિયા 100,000 લોકોને મરતા જોશે તો તેનો મતલબ એ છે કે તમે બાકી દુનિયા સાથેના યુદ્ધમાં સામેલ છો.
ઉલ્લેખનીય છે કે 2015ની ઈરાન પરમાણુ સમજૂતીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તોડી નાખી હતી. તેના પછી 2020માં નવા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા બાદ જો બાયડેને પણ ઈરાન પરમાણુ સમજૂતી પર ધ્યાન ન આપ્યું જેના બાદથી ઈરાને તેના પરમાણુ પ્રોગ્રામમાં ઝડપ લાવવાની શરૂઆત કરી હતી.
