બાંગ્લાદેશના સત્તા પલટાથી ભારતને રોજ વેપારમાં કેટલી ખોટ ? જુઓ
બાંગ્લાદેશમાં અશાંતિથી ભારતને રોજ રૂપિયા 150 કરોડની ખોટ
વાર્ષિક વેપાર રૂપિયા 30 હજાર કરોડનો રહ્યો છે; એક માસથી વેપારને અસર
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
બાંગ્લાદેશમાં હિંસાની આગ એટલી ભડકી છે કે, ત્યાંના વડાપ્રધાનને રાજીનામું આપી દેશમાંથી પલાયન કરવુ પડ્યું. આ હિંસક વિરોધ પ્રદર્શનમાં અનેક લોકોના મોત થયા છે. જો કે આ સ્થિતિ વચ્ચે ભારતને પણ વેપારમાં મોટી ખોટ જઈ રહી છે. દરરોજ રૂપિયા 150 કરોડનો વેપાર ઠપ્પ થઈ ગયો છે.
હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ સાથે ભારત મોટાપાયે વેપાર કરે છે. બંને દેશો વચ્ચે ઘણી આવશ્યક ચીજોની આયાત-નિકાસ થાય છે. આ હિંસાના કારણે ભારત સાથેના વેપાર પર અસર થવાની સંભાવના વધી છે.
30 હજાર કરોડનો વેપાર
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસાને કારણે ભારત સાથેના વેપાર પર પણ અસર પડી છે. એક રિપોર્ટ અનુસાર, દરરોજ રૂ. 150 કરોડથી વધુના બિઝનેસ પર અસર થઈ રહી છે. બંને દેશો વચ્ચે પેટ્રાપોલ અને બેનેપોલ બોર્ડર દ્વારા આશરે રૂ. 30,000 કરોડનો વાર્ષિક વેપાર થાય છે, જે છેલ્લા ઘણાં દિવસોથી બંધ છે.
સૌથી મોટો નિકાસકાર ભારત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર પર વિગતવાર નજર કરીએ તો ઉપલબ્ધ ડેટા અનુસાર, બાંગ્લાદેશ ભારતનો ટોચનો ટ્રેડિંગ પાર્ટનર છે. બાંગ્લાદેશનો બીજા ક્રમનો સૌથી મોટો નિકાસકાર દેશ ભારત છે. નાણાકીય વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે કુલ 14.22 અબજ ડોલરનો વેપાર થયો હતો. 2023 માં ભારતથી બાંગ્લાદેશમાં 6,052 વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. આ નિકાસનો આંકડો $12.20 અબજ હતો, જે 2024માં $16.15 અબજ કરતાં ઘટ્યો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ મજબૂત બન્યા છે. બંને દેશોએ વેપારની બાબતમાં હવે ભારતીય રૂપિયામાં ટ્રેડિંગ શરૂ કરીને એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ 22 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ સમયગાળા દરમિયાન ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં બંને દેશો વચ્ચે ભારતીય રૂપિયામાં વેપાર પણ સામેલ હતો.