- કાશ્મીર : કાર ખીણમાં ગબડી, 8 ના મોત
- 5 બાળકોનો પણ ભોગ લેવાયો; ચાલકે કાબૂ ગુમાવતાં સર્જાઇ દુર્ઘટના
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે એક ખૂબ જ દર્દનાક અકસ્માત થયો હતો. અનંતનાગ જિલ્લા નજીક સિન્થન-કોકરનાગ રોડ પર સ્થાનિક રહેવાસીઓથી ભરેલી કાર ખાઈમાં પડતાં પાંચ બાળકો સહિત આઠ લોકોનાં મોત થયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં એક પોલીસકર્મી, બે મહિલાઓ અને 6 થી 16 વર્ષની વયના પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાહન મડવાહ કિશ્તવાડથી આવી રહ્યું હતું અને ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું.
કેવી રીતે થયો અકસ્માત ?
મળતી માહિતી મુજબ, કિશ્તવાડનો રહેવાસી પરિવાર કિશ્તવાડથી માધાબા તરફ જઈ રહ્યો હતો. તેણે સિન્થન ટોપ રોડનો ઉપયોગ કર્યો હતો. રસ્તામાં ડાકસુમ વિસ્તારમાં ચાલકે સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે કાર ઉંડી ખાઈમાં પડી હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વાહનમાં સવાર તમામ લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ ડોક્ટરોએ આઠ લોકોને મૃત જાહેર કર્યા હતા.
મૃત્યુ પામેલા લોકોની ઓળખ
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. તેમની ઓળખ કિશ્તવાડના રહેવાસી ગુલામ રસૂલ રાથેરના પુત્ર ઇમ્તિયાઝ રાથેર, ઇમ્તિયાઝ અહેમદ રાથેરની પત્ની અફરોઝા બેગમ, માજિદ અહેમદની પત્ની રેશમા, ઇમ્તિયાઝ અહેમદની પુત્રી અરીબા ઇમ્તિયાઝ, ઇમ્તિયાઝ અહમદની પુત્રી આનિયા જાન, ઇમ્તિયાઝની પુત્રી અબાન ઇમ્તિયાઝ તરીકે થઈ હતી.