બિહારમાં ગૃહ મંત્રી અમિત શાહનું એલાન
- અમને 400 બેઠક આપો તો મુસ્લિમોની અનામત રદ કરી ઓબીસીને આપશું
બિહારમાં આરાહ બેઠકના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી આર.કે સિંહના પ્રચારમાં સભા સંબોધતી વેળાએ ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ, લાલુપ્રસાદ યાદવ અને મમતા બેનર્જી ઓબીસી અને શેડ્યુલડ કાસ્ટ તથા શેડ્યુલડ ટ્રાઇબના વિરોધી હોવાનો અને એ સમુદાયના ક્વોટામાંથી મુસ્લિમોને અનામતના ક્વોટા આપવાનો ઇરાદો ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને એનડીએ ને 400 બેઠક મળે તો મુસ્લિમોને મળતી એ અનામત રદ કરી ઓબીસીને પરત આપવાનું વચન આપ્યું હતું.
ગૃહ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસે કર્ણાટકમાં ઓબીસી ક્વોટામાંથી મુસ્લિમોને પાંચ ટકા અનામત આપી છે. એ જ રીતે હૈદરાબાદમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવામાં આવી છે. તેમણે કહ્યું કે વોટ બેન્કના રાજકારણમાં વિપક્ષોના રાજમાં પછાત વર્ગના લોકોને અન્યાય થઈ રહ્યો છે. કોલકત્તા હાઇકોર્ટે તાજેતરમાં પાંચ લાખ ઓબીસી સર્ટિફિકેટ રદ કરવાનો ચુકાદો આપ્યો તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે અદાલતે પણ માન્યું છે કે મુસ્લિમોને આપવામાં આવેલો ક્વોટા ગેરકાયદે છે.
અત્રે નોંધનીય છે કે આ વખતે ચૂંટણી પ્રચારમાં અનામતનો મુદ્દો કેન્દ્રસ્થાને આવી ગયો છે. કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ સહિતના વિપક્ષોએ એવો પ્રચાર કરી રહ્યા છે કે ભાજપને 400 થી વધારે બેઠકો મળશે તો બંધારણ બદલી અને અનામત રદ કરી નાખશે. એ પ્રચારને કાઉન્ટર કરવા માટે ભાજપ હવે મુસ્લિમોની અનામત રદ કરવાનો પ્રચાર કરે છે. જોકે ભાજપે આંધ્રપ્રદેશમાં જેની સાથે ગઠબંધન કર્યું છે એ ટીડીપી એ પણ ત્યાં મુસ્લિમોને ઓબીસી કોટામાંથી પાંચ ટકા અનામત આપી છે.