વિદ્યાર્થીના આપઘાત બાદ ગુવાહાટી ITIના ડીનનું રાજીનામું
ગુવાહાટી આઇઆઇટીમાં બીટેક નો અભ્યાસ કરતા ઉતર પ્રદેશના 21 વર્ષના વિધાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા પછી વિદ્યાર્થીઓએ કરેલા પ્રચંડ દેખાવો બાદ કોલેજના ડીન પ્રો. કુંદુર વી.ક્રિષ્નાએ રાજીનામું આપી દીધું હતું.આપઘાતની ઘટના માટે સંસ્થાના વહીવટકર્તાઓની સંવેદનહીનતા તેમ જ અતિશય શૈક્ષણિક દબાણ કારણભૂત હોવાનું જણાવી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પ્રચંડ દેખાવો કર્યા હતા.
સત્તાવાળાઓની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરતા વિદ્યાર્થીઓએ કહ્યું કે ખુબ સારા માર્ક મેળવવા છતાં 200 વિદ્યાર્થીઓને ઓછી હાજરીને કારણે નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આવા કાનોને કારણે આપઘાતની ઘટનાઓ બનતી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. સંચાલકો દ્વારા અસહ્ય શૈક્ષણિક દબાણને કારણે ઝેરી વાતાવરણ ઊભું થયું હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કરી અને ડીનના રાજીનામાની માંગણી કરી હતી.નોંધનીય છે કે આ કેમ્પસમાં જ વિદ્યાર્થીને આપઘાતની આ ચોથી ઘટના હતી. વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ તેમજ મેન્ટલ અને ફિઝિકલ સપોર્ટ માટે કોઈપણ જાતની વ્યવસ્થા ન હોવાની પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી.