G-20માં આવનારા મહાનુભાવોને પીરસાશે ચાંદીના વાસણોમાં ભોજન
દિલ્હીમાં 8-9 સપ્ટેમ્બરના આયોજિત કરવામાં આવેલી જી-20 સમિટની તમામ તૈયારી પૂરી થઇ ગઇ છે. G20 સમિટમાં આવનારા તમામ ખાસ મહેમાનો દિલ્હીની 30 અલગ-અલગ 5 સ્ટાર હોટલોમાં રોકાશે, તેમના ખાવા-પીવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન મહેમાનોને ખાસ ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે. મહેમાનોની આગતાસ્વાગતામાં ભારતીય વિવિધતાની ઝલક દ્દષ્ટિગોચર થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહેમાનોને પીરસવામાં આવનારા ભોજનમાં પણ જુદા જુદા રાજ્યોની સંપૂર્ણ ભારતીય શાકાહારી વાનગીઓ પીરસવામાં આવશે.
મહાનુભાવોને પીરસવામાં આવનારા ભોજનના વાસણો પણ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. મહેમાનોને ડિનર ટેબલ પર પણ ભારતની સાંસ્કૃતિક ઝલક જોવા મળશે. આ વાસણો ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે. આ ચાંદીના વાસણો જયપુર સ્થિત IRIS કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે.
આ કંપની ચાંદીના વાસણો તૈયાર કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે મોરથી લઈને કમાનની ડિઝાઇન સુધીના વાસણો ખાસ કરીને મહેમાનો માટે બનાવ્યા છે. કંપનીએ અત્યાર સુધી દિલ્હીની 11 હોટલોને ખાસ વાસણો મોકલી આપ્યા છે. જેમાં આઈટીસી મૌર્યથી લઈને તાજ પેલેસ સુધીની ઘણી હોટલો સામેલ છે.
સવારના નાસ્તાથી લઈને ચા અને બપોરના ભોજનથી લઈને રાત્રિભોજન સુધી મહેમાનોને ચાંદીના વાસણો અને વિવિધ ડિઝાઈનની સ્પેશિયલ ક્રોકરીમાં ભોજન પીરસવામાં આવશે. રાત્રિભોજન માટે સુંદર પ્લેટો, બ્રેડ માટે ખાસ બાસ્કેટ અને ફળો માટે સુંદર ટોપલીઓ તૈયાર કરવામાં આવી છે.
