પંજાબમાં ભાજપ – અકાલી દળ વચ્ચે ગઠબંધનની શક્યતા ઉપર પૂર્ણવિરામ
અકાલી દળે પ્રચાર સુકાની જાહેર કરી દીધા.
આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિરોમણી અકાલી દળનું ગઠબંધન નહીં જ થાય તેવા સ્પષ્ટ સંકેતો પ્રાપ્ત થયા છે.અકાલી દળે રવિવારે લોકસભાની દસ બેઠકો માટે પ્રચાર સમિતિના સુકાનીઓના નામની ઘોષણા કરી દીધી હતી.
ભાજપ અને અકાલી દળ 2019 સુધીમાં લોકસભાની પાંચ ચૂંટણી સાથે રહી ને લડ્યા હતા.ખેડૂત આંદોલન ને પગલે એ ગઠબંધનનો અંત આવ્યા બાદ કદાચ લોકસભાની ચૂંટણી પહેલાં પુનઃગઠબંધન થવાની ચર્ચા વચ્ચે હવે બન્ને પક્ષો સામસામે લડશે એવું ચિત્ર ઉપસ્યું છે.ગઠબંધન સમયે પંજાબની 13 બેઠકોમાંથી અમૃતસર,ગુરુદાસપુર અને હોશિયારપુરની બેઠકો ભાજપને ફાળવવામાં આવતી હતી.આ વખતે અકાલી દળ હોશિયારપુર ની બેઠક બહુજન સમાજ પાર્ટીને ફાળવશે.
નોંધનીય છે કે 2020 માં ગઠબંધન તૂટ્યા બાદ 2022ની વિધાનસભાની ચૂંટણી અકાલી દળ અને બીએસપી સાથે રહીને લડ્યા હતા.ભાજપે અકાલી દળ ( સંયુક્ત ) અને કેપ્ટન અમરીનદર સિંઘની પંજાબ લોક કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યા હતા પણ બન્ને ગઠબંધનનો કરુણ રકાસ થયો હતો.અકાલી દળ ને માત્ર ત્રણ અને ભાજપને ફકત બે બેઠકો મળી હતી.