1લી ઓક્ટોબરથી કારમાં 6 એર બેગ ફરજિયાત નહીં બનાવાય: ગડકરી
વાહનોમાં મુસાફરોની સુરક્ષા વધારવા માટે એરબેગની સંખ્યા વધારવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. પરંતુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવી ચોખવટ કરી હતી કે કારમાં 6 એર બેગ ને સરકાર અત્યારે ફરજિયાત નહીં કરે.
એવી ચર્ચા અને અહેવાલો હતા કે આગામી ઓક્ટોબર મહિનાથી વેચાતી તમામ કારોમાં 6 એરબેગ ફરજીયાત ઈન્સ્ટોલ કરવાના
રહશે. ત્યારે આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, દેશમાં આ વર્ષની શરૂઆતમાં નવો ક્રેશ ટેસ્ટ નિયમ લાગુ થઈ ગયો છે, જેના કારણે ભારત સરકાર પ્રવાસી વાહનો માટે 6 એરબેગ સુરક્ષા નિયમને ફરજીયાત નહીં બનાવે.
ઓટોમોટિવ કંપોનેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન – ACMAની વાર્ષિક બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, સરકાર ‘કારો માટે 6 એરબેગ નિયમ ફરજીયાત નહીં બનાવે.’ તેમણે કહ્યું કે, દેશમાં ઘણી વાહન ઉત્પાદક કંપનીઓ છે અને તે અગાઉથી જ 6 એરબેગ આપી રહી છે અને આ કંપનીઓ પોતાની કારોની જાહેરાત પણ કરી રહી છે. એવામાં 6 એરબેગ ફરજીયાત કરવાની જરૂર નથી.