AI સ્કિલથી લઈને 6G અને 100 GW પરમાણુ ઊર્જા સુધી: લાલ કિલ્લા પરથી PM મોદીની 10 મોટી જાહેરાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૬ના ૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કર્યો હતો. ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાની નેમ સાથે તેમણે ટેકનોલોજી, ઉર્જા, શિક્ષણ, રમતગમત અને સુરક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ ૧૦ મોટી જાહેરાતો કરી છે, જે દેશના ભવિષ્યની દિશા નક્કી કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ૧૦ મોટી જાહેરાતો:
૧ કરોડ યુવાનોને AI સ્કિલિંગ:
આગામી એક વર્ષમાં દેશના ૧ કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્કિલ્સની આધુનિક તાલીમ આપવામાં આવશે.
મફત ઓનલાઈન કોચિંગ:
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગ વ્યવસ્થા શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે.
દેશવ્યાપી ‘સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ’:
વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ગામડાઓ અને શહેરોમાંથી ૫ થી ૧૫ વર્ષના બાળકો માટે સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ ચલાવાશે, જેને વિશ્વસ્તરીય કોચિંગ પૂરું પાડવામાં આવશે.
નવા ૫ થી ૮ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ:
ટેકનોલોજી ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે આગામી સમયગાળામાં ૫ થી ૮ નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે.
‘મેડ ઇન ઇન્ડિયા 6G’ મિશન:
વર્ષ ૨૦૩૦ સુધીમાં 6G ટેકનોલોજીના વિકાસમાં વૈશ્વિક નેતૃત્વ મેળવવા અને 6G સેવાઓને ઘર-ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરાયું છે.
૧૦૦ GW પરમાણુ ઊર્જાનું લક્ષ્ય:
ભારત ક્લીન એનર્જી તરફ આગળ વધીને વર્ષ ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગિગાવાટ (GW) ન્યુક્લિયર એનર્જી ક્ષમતા હાસલ કરશે.
૫ નવા ન્યુક્લિયર રિએક્ટર:
આગામી ૬ થી ૭ વર્ષની અંદર દેશમાં ૫ નવા પરમાણુ (ન્યુક્લિયર) રિએક્ટર કાર્યરત કરવામાં આવશે.
સિવિલ ડિફેન્સમાં સુધારા:
આધુનિક સુરક્ષા જરૂરિયાતો અને પડકારોને પહોંચી વળવા માટે સિવિલ ડિફેન્સ સિસ્ટમને આધુનિક ટ્રેનિંગ અને વધુ ક્ષમતાઓ સાથે મજબૂત કરાશે.
રમતગમતમાં ‘મેડલ પાવરહાઉસ’ બનવાનો સંકલ્પ:
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ખેલાડીઓની ભાગીદારી વધારીને ભારતને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવાનો માર્ગ મોકળો કરાશે.
ઈલેક્ટ્રોનિક્સ અને મેડિકલ ડિવાઈસ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદન:
સેમિકન્ડક્ટર, ટેકનોલોજી આધારિત ઈલેક્ટ્રોનિક્સ અને મેડિકલ સાધનોનું ઉત્પાદન ભારતમાં જ વધારીને તેની નિકાસ (Export)ને મોટું પ્રોત્સાહન આપવામાં આવશે.
વડાપ્રધાનની આ જાહેરાતો યુવાશક્તિને સશક્ત બનાવવા, ટેકનોલોજી ક્ષેત્રે ભારતને વૈશ્વિક અગ્રણી બનાવવાની સાથે ગ્રીન એનર્જી અને આત્મનિર્ભરતાના સંકલ્પને મજબૂત કરે છે.
