જમ્મુ કાશ્મીરમાં ત્રણ એન્કાઉન્ટરમાં 36 કલાકમાં પાંચ આતંકવાદી ઠાર : આતંકવાદીઓને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દીધું
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ આતંકવાદીઓ પર તૂટી પડી છે. છેલ્લા 36 કલાકમાં જ થયેલા ત્રણ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા હતા. એક સ્થળેથી આતંકવાદીઓની લાશો પાસેથી મીની યુદ્ધ કરી શકાય એવડી મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત થયા હતા.
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલા લોહીની હોળી સર્જવાના આતંકવાદીઓના ઈરાદા સામે સુરક્ષા દળોએ એક સાથે પાંચ જિલ્લાઓમાં અભૂતપૂર્વ કોમ્બીંગ ઓપરેશન હાથ ધર્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ આતંકવાદીઓની ઉપસ્થિતિની સંભાવના ધરાવતા પૂંચ, કિષ્ટવાડ, ઉધમપુર,રાજૌરી અને અનંતનાગ જિલ્લાઓમાં મોટા વિસ્તારોને ઓર્ડર કરી સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા આતંકવાદીઓને ઘેરી લેવાયા છે.
દરમિયાન શુક્રવારે કઠુઆમાં આતંકવાદીઓની ઉપસ્થિતિ અંગે ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યા બાદ સુરક્ષા દળોએ કરેલા સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. એ આતંકીઓ પાસેથી અધતન શસ્ત્રો તથા દારૂગોળાનો મોટો જથ્થો પ્રાપ્ત થયો હતો.
એ પહેલા શુક્રવારે કિષ્ટ્વાડમાં એન્કાઉન્ટર દરમિયાન બે જવાનો શહીદ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા. ત્યાર બાદ સુરક્ષા દળોએ વધુ આક્રમક બને અને આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યા હતા.
શનિવારે સવારે બારાબુલ્લામાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં વધુ ત્રણ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. બરમુલ્લામાં એ પછી પણ એનકાઉન્ટર ચાલુ રહ્યું હતું. શનિવારે સવારે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં પણ સેનાએ આતંકવાદીઓને ઘેરી લીલાબાદ એનકાઉન્ટર શરૂ થયું હતું.