પહેલા કુતરા બાખડયા, પછી પાડોશી: અંજામ,બેના મોત
એક સ્વાન માલિકે અંધાધુંધ ગોળીબાર કર્યો
માણસો અને કુતરા વચ્ચે કંઈ નોંધપાત્ર ફેર છે કે કેમ તે સર્વકાલીન વિવાદ વચ્ચે મનુષ્ય કરતાં શ્વનો વધારે સમજદાર, સહિષ્ણુ, સભ્ય અને અહિંસક છે એવું પુરવાર કરતો કિસ્સો મધ્યપ્રદેશમાં બન્યો છે. ઈન્દોરમાં બે પાડોશીઓના પાલતુ કુતરાઓ વચ્ચે ભસાભસ થયા બાદ પાડોશીઓ સામસામે આવી ગયા હતા. એ જોઈને કુતરા તો શાંત થઈ ગયા હતા પરંતુ માણસો વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો હતો અને એક શ્વાન માલિકે ગોળીબાર કરતા બે લોકોના મૃત્યુ થયા હતા અને છ અને ઈજા થઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઈન્દોરની ક્રિષ્નાબાગ કોલોનીમાં રહેતા રાજપાલ રાજાવત અને તેના પાડોશી વિમલ બંને કૂતરાને ફેરવવા નીકળ્યા ત્યારે એ પાલતુ કૂતરાઓ બાખડી પડ્યા હતા. વિમલે કુતરાઓને છૂટા પાડવા માટે પથ્થર મારતા રાજપાલ રાજાવત ઉશ્કેરાઈ ગયા હતા.
એ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી તથા બંનેના પરિવારજનો તથા પાડોશીઓના ટોળા એકત્ર થઈ ગયા હતા.
એ દરમિયાન પોતાના ઘરમાંથી રાયફલ લઇને છત ઉપર પહોંચેલ રાજાવતે પહેલા હવામાં ગોળીબાર કર્યા હતા. આટલેથી ન અટકી તેણે ટોળા ઉપર ફાયરિંગ કરતા આઠ લોકોના શરીરમાં ગોળીઓ ઘૂસી ગઈ હતી જેમાં ગંભીર રીતે ગવાયેલા વિમલ અને રાહુલના મૃત્યુ થયા હતા જ્યારે બે મહિલાઓ સહિત અન્ય છ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આરોપી રાજાવત બેંકમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.હત્યાનો ભોગ બનેલા બન્ને યુવાનો સબંધમાં સાડા બનેવી થતાં હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.