મધ્યપ્રદેશ-છત્તીસગઢ માટે જાહેર કરી પહેલી યાદી, 60 ઉમેદવારોને ટિકિટ
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચાલું વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે ચૂંટણીઓને હજુ ચાર મહિના જેટલો સમય છે ત્યારે હવે ભાજપે એક મોટી પહેલ કરી દીધી છે. ગઈ કાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી જેમાં બન્ને રાજ્યોના ઉમેદવારોને લઈને ચર્ચા કરાઈ હતી જે પછી આજે ભાજપ દ્વારા આ બન્ને રાજ્યોમાં 60 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે.
મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોનું એલાન
પાર્ટીએ મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી હતી. વાસ્તવમાં બુધવારે બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સામેલ થયા હતા. આ બેઠકમાં બંને રાજ્યોની ચૂંટણી ઉપરાંત અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પછી પહેલા રાજસ્થાનમાં ભાજપની ચૂંટણી ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યાર બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી.
ચાર કેટેગરીમાં વહેંચાઈ બેઠકોને
ચૂંટણી સમિતિની બેઠકમાં મુખ્ય બેઠકોને લઇને ભારે ચર્ચા થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યોની બેઠકોને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે. તેમને એ, બી, સી અને ડી કેટેગરીમાં મૂકીને તેમની ચર્ચા કરવામાં આવી હતી. ટિકિટ વિતરણને સરળ બનાવવા માટે વિધાનસભાની બેઠકોને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. કેટેગરી એમાં એવી બેઠકોનો સમાવેશ થાય છે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા વારંવાર જીતવામાં આવે છે. કેટેગરી બીમાં તે બેઠકોનો સમાવેશ થાય છે જેમાં ગત ચૂંટણીમાં હાર અને જીત થઈ રહી છે. કેટેગરી સીમાં વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે જેમાં પાર્ટીએ બે વાર તેની આશા ગુમાવી દીધી છે. સાથે જ તે સીટોને ડી કેટેગરીમાં રાખવામાં આવી છે, જ્યાં ભાજપ ક્યારેય જીત્યું નથી અને જ્યાં તેની સ્થિતિ ઘણી ખરાબ રહી છે.
2018ની છત્તીસગઢ ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળી હતી
2018ની છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 90 સભ્યોની વિધાનસભામાં ભાજપને માત્ર 15 સીટો પર જીત મળી હતી. કોંગ્રેસે સૌથી વધુ 68 વિધાનસભા બેઠકો જીતીને સરકાર બનાવી હતી. હવે ભાજપ ઘણા મુદ્દાઓ માટે તૈયારી કરી રહ્યું છે અને બેઠકો ગુમાવવાના કારણો શોધીને આગળની વ્યૂહરચના બનાવી રહ્યું છે.