મુંબઈના ગોરેગાંવમાં વિકરાળ આગ: આઠના મોત,51 ઘાયલ
સાત માળની ઇમારત અગનજ્વાળા માં લપેટઇ ગઈ
અનેક દુકાનો અને વાહનો ખાક થઈ ગયા
મુંબઈના ગોરેગાંવમાં જય ભવાની નામના બિલ્ડિંગમાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ફાટી નીકળેલી ભીષણ આગમાં આઠ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 51 લોકો ઘાયલ થયા હતા.મૃતકોમાં બે સગીર અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. 28 મહિલા સહિત તમામ ઇજાગ્રસ્તોને બે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ કાપડ અને ભંગારની દુકાનોમાંથી આગ પ્રસરી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ દુર્ઘટનામાં અનેક દુકાનો અને વાહનો બળીને ખાક થઈ ગયા હતા.ઘરવખરી સળગી જવાને કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
સવારે ત્રણ વાગ્યાના અરસામાં અચાનક જ બળવાની વાસ તેમજ ધુમાડા શરૂ થતા ગાઢ નિંદ્રામાં પહોંચેલા લોકો એ ગભરાટ ના માર્યા બચવા માટે દોડધામ કરી દીધી હતી. લિફ્ટ વિસ્તારમાં પણ ધુમાડા છવાતા લોકો દાદરો ચડીને અગાસી ઉપર પહોંચી ગયા હતા. જોકે એ દરમિયાન દાઝવા ને કારણે તથા ગૂંગળામણ થવાથી આઠ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા.
બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ એમ્બ્યુલન્સ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
2006 માં આ બિલ્ડીંગ સ્લમ રિહેબિલીએશન સ્કીમ અંતર્ગત બનાવવામાં આવ્યું હતું. તેમાં કોઈપણ જાતની ફાયર ફાઈટિંગ સિસ્ટમ ન હોવાનું ખુલ્યું છે.
મકાનમાં રહેતા લોકોનું નજીકની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને મૃતકો માટે બે લાખ રૂપિયાની અને ઘાયલો માટે 50000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
ફાયર બ્રિગેડ મોડેથી આવી?
મનીષ ચતુર્વેદી નામની વ્યક્તિના જણાવ્યા મુજબ તેમણે સવારે 3.06 મિનિટે ફાયર બ્રિગેડને આ બનાવ અંગે ફોન દ્વારા જાણ કરી હતી પરંતુ સામેથી કાંઈ રિસ્પોન્સ મળ્યો નહોતો. જો ફાયર બ્રિગેડ સ્ટાફ વહેલાસર આવી ગયો હોત તો કેટલીક જિંદગીઓ બચાવી શકાય હોત તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે આ બનાવની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની નિમણૂક કરી 15 દિવસમાં રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે.