અદાણી જૂથને ફરી આંચકોઃ નવા આક્ષેપો બાદ 35,000 કરોડનું નુકસાન
અદાણી જૂથના શેરો 5 ટકા સુધી ઘટી ગયા
સોરોસના ઓર્ગેનાઇઝેશને અદાણી જૂથ સામે આરોપો મુક્યા
અદાણી ગ્રૂપ માથેથી ચિંતાના વાદળો હજુ પણ દૂર નથી થયા. હિન્ડનબર્ગ રિસર્ચે આપેલો આંચકો ઓછો હોય તેમ હવે જ્યોર્જ સોરોસના OCCRP દ્વારા અદાણી સામે વધુ ગંભીર આરોપો મુકવામાં આવતા આ ગ્રૂપના શેરોમાં મોટો કડાકો આવ્યો હતો. અદાણી જૂથના શેરો આજે 5 ટકા સુધી ઘટી ગયા છે જેના કારણે જૂથની માર્કેટ કેપિટલમાં લગભગ 35,000 કરોડનો ફટકો પડ્યો છે. જ્યોર્જ સોરોસના ઓર્ગેનાઇઝેશને દાવો કર્યો છે કે અદાણી જૂથમાં ગુપ્ત રીતે રોકાણ કરતી બે વ્યક્તિના ગાઢ સંબંધ અદાણી ફેમિલી સાથે છે.
આ પ્રકારના ગંભીર આરોપોના પગલે અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન, અદાણી ગ્રીનમાં ચારથી પાંચ ટકાનો ઘટાડો થયો હતો. અદાણી પોર્ટ જેવી કેશ કાઉ ગણાતી કંપનીનો શેર ત્રણ ટકા તૂટ્યો હતો જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 3.5 ટકા ડાઉન હતો.
અદાણી જૂથે તેની સામે OCCRP દ્વારા મુકવામાં આવેલા આરોપો નકારી કાઢ્યા છે. આ અહેવાલ બે વિદેશી અખબારો ધ ગાર્ડિયન અને ફાઈનાન્શિયલ ટાઈમ્સમાં પણ છપાયો છે. અદાણીએ કહ્યું કે તમામ રિસાઈકલ્ડ આરોપો છે જેને અગાઉ હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા પણ મુકવામાં આવ્યા હતા.