કોંગ્રેસના વિવાદ પ્રિય નેતા મણિશંકર ઐયરે ફરી ચર્ચા જગાવી
ભાજપના પહેલા વડાપ્રધાન તો પી.વી. નરસિંહરાવ હતા
કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર હંમેશા પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા રહ્યા છે અને હાઈ કમાન્ડ તરફથી પણ તેમને ઠપકા મળી ચૂકેલા છે પરંતુ ફરીવાર એમણે પોતાની ટેવ મુજબ નવી ચર્ચા જગાવી છે. નવા પુસ્તકનું લોકાર્પણ થયું ત્યારથી તેમની ઘણી બાબતો ચર્ચાનો વિષય થઈ રહી છે. આ પુસ્તકના વિમોચન બાદ એક વરિષ્ઠ પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં અય્યરે કોંગ્રેસને જ ભીંસમાં લીઈ લીધી છે.
મણિશંકર અય્યરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ સાંપ્રદાયિક હતા અને તેમને દેશના પહેલા ભાજપના વડાપ્રધાન કહ્યા હતા. અય્યરે રાવ સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો જ્યારે તેઓ રામ-રહીમ યાત્રા કાઢી રહ્યા હતા. પુસ્તકના ઔપચારિક વિમોચન પ્રસંગે વરિષ્ઠ પત્રકાર સાથે અય્યરે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.
અય્યરે પોતાના પુસ્તકમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના તેમના સંબંધો અને ડિસેમ્બર 1978થી જાન્યુઆરી 1982 સુધી કરાચીમાં કોન્સલ જનરલ તરીકેના તેમના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો છે.
અય્યરને જ્યારે રામ મંદિર મુદ્દે રાજીવ ગાંધીની તેમની ટીકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, મને લાગે છે કે શિલાન્યાસ ખોટો હતો. મને લાગે છે કે રાજીવ ગાંધીએ કરેલી સૌથી મોટી ભૂલ હતી. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના વડા અને રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી પણ હાજર હતા. ઐયરે રાજીવ ગાંધીના અવસાન પછી રાજનીતિમાં પ્રવેશ માટેના આધારસ્તંભ તરીકે સોનિયા ગાંધીની પણ પ્રશંસા કરી હતી.