લશ્કર એ તૈયબા દ્વારા પંજાબમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું
જમ્મુ કાશ્મીરના બે આતંકીની ધરપકડ, પંજાબમાં આતંક મચાવવાં પ્લાનિંગ ચાલતું હતું, બોમ્બ અને હથિયારો ઝબ્બે
પંજાબ પોલીસે રાજ્યમાં અશાંતિ ફેલાવવાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ અમૃતસરે કેન્દ્રીય એજન્સી સાથે સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જમ્મુ-કાશ્મીરમાં રહેતા બે લોકોની ધરપકડ કરી હતી . તેમની પાસેથી 2આઇઇડી , 2 હેન્ડ ગ્રેનેડ, 2 મેગેઝીન સાથે 1 પિસ્તોલ, 24 કારતૂસ, 1 ટાઈમર સ્વીચ, 8 ડિટોનેટર અને 4 બેટરીઓ મળી આવી છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.
લશ્કર-એ-તૈયબાના જે આતંકવાદી સંગઠનના બે સાથીઓની ધરપકડ કરવામાં આવી છે તેને ફિરદોસ અહમદ ભટ ચલાવે છે. તેની રાહ પર જ પંજાબમાં આતંક મચાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. પંજાબમાં આગામી દિવસોમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું.
બીજી તરફ શુક્રવારે બોર્ડર સુરક્ષા ફોર્સના જવાનોએ અટારી બોર્ડર પરથી ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ પરથી 11 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. આ બાંગ્લાદેશી નાગરિકો આઈસીપીની દિવાલ કૂદીને પાકિસ્તાન જવાની ફિરાકમાં હતા. આ લોકો દિવાલ કૂદી પણ ચૂક્યા હતા. ત્યારબાદ તેઓ કાર્ગોમાં ફરી રહ્યા હતા એ સમયે બીએસએફની નજર તેમના પર ગઈ અને તેમની ધરપકડ કરી લીધી.