સંસદમાં શ્વાનના આતંકની ફરિયાદ : એક વર્ષમાં 30 લાખથી વધુ લોકોને કરડ્યા
- શ્વાનના આતંકથી બચાવો : સંસદમાં ગર્જના
- ભાજપના સાંસદ અતુલ ગર્ગે મુદ્દો ઉઠાવી કહ્યું લોકોમાં ડરનો માહોલ
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
સંસદમાં શ્વાનના આતંકનો મુદ્દો ગાજી ઉઠ્યો હતો અને તેના પર ચિંતા પ્રગટ કરાઇ હતી. મંગળવારે આ મામલો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. ગાઝિયાબાદના બીજેપી સાંસદ અતુલ ગર્ગે આ મુદ્દો ઉઠાવ્યો હતો. એમણે એવી રાવ કરી હતી કે શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ છે. સાંસદે કહ્યું કે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં 30.5 લાખ લોકોને કૂતરા કરડ્યા છે. તેમાં 286 લોકોના મોત થયા છે. જો આ આંકડો સાચો હોય તો મારા ગાઝિયાબાદમાં એક વર્ષમાં 35 હજાર લોકો કૂતરા કરડવાના શિકાર બન્યા છે. નાના બાળકો તેનો સૌથી મોટો શિકાર બની રહ્યા છે.
લોકસભામાં એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલને ટાંકીને સાંસદે કહ્યું કે ગાઝિયાબાદમાં એક બાળકના કાનને કૂતરાએ કરડ્યો હતો. ચાર દિવસ પહેલા એક સમાચાર આવ્યા હતા કે હડકવાથી એક બાળકનું દુઃખદ મૃત્યુ થયું છે.
જો કૂતરો પાલતુ હોય અને તે કોઈને કરડે તો તેના માટે તેનો માલિક જવાબદાર છે. જો ખાનગી કૂતરો ગડબડ કરે છે, તો તેના માટે પણ કોઈ જવાબદાર છે. પરંતુ જો કોઈ રખડતું કૂતરું કરડે તો કોઈ કૂતરો પ્રેમી તેને કરડનાર વ્યક્તિ પાસે નથી આવતો અને તેને બચાવવા નથી આવતો.
આ સ્થિતિથી લોકોને બચાવવા માટે કઈક કરવું જોઈએ તેવી માંગ સાંસદે કરી હતી. એમણે કહ્યું કે દેશભરમાં આવી જ સ્થિતિ છે અને લોકોમાં ડર ફેલાયેલો છે.