કોંગ્રેસના તમામ 99 સાંસદોની ચૂંટણી રદ કરો…કોણે કરી અદાલતમાં આવી અરજી ?
- બોલો! કોંગ્રેસના તમામ 99 સાંસદોની ચૂંટણી રદ કરવા અદાલતમાં અરજી
- ખોટા ગેરંટી કાર્ડ આપ્યા હોવાનું કારણ આપ્યું
કોંગ્રેસ પક્ષે લોકસભાની ચુંટણી પહેલાં ગેરંટી કાર્ડ બહાર પાડી ગરીબો,દલિતો તથા પછાત વર્ગના લોકોને દર મહિને 8500 રૂપિયા આપવાની લાલચ આપીને લોક જનપ્રતિનિધિત્વ કાનૂન નું ઉલ્લંઘન કર્યું હોવાના દાવા સાથે ભારતી સિંહ નામના સામાજિક કાર્યકરે કોંગ્રેસના ચૂંટાયેલા તમામ 99 સાંસદોની ચૂંટણી રદ કરવા,પાર્ટીની માન્યતા અને ચૂંટણી ચિન્હ રદ કરવાની માંગણી કરતી જાહેર હિતની અરજી અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ કરી હતી.
અરજીમાં જણાવ્યા અનુસાર ગેરંટી કાર્ડ ઉપર પક્ષ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધીના હસ્તાક્ષર હતા.લોકોને રસીદ પણ આપવામાં આવી હતી અને જે લોકોની પાસે એ રસીદ હોય તેને કોંગ્રેસની તરફેણમાં મત દેવા બદલ દર મહિને 8500 રૂપિયા દેવાનો ખોટો વાયદો કરવામાં આવ્યો હતો.
અરજકર્તા ના જણાવ્યા મુજબ આ અંગે ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનને ફરિયાદ કરવામાં આવતા ચૂંટણી પંચે 2 મે 2024 ના રોજ માર્ગદર્શિકા બહાર પાડી હતી તેમ છતાં કોંગ્રેસે એ ગેરંટી કાર્ડ પરત નહોતા ખેંચ્યા.કોંગ્રેસે આદર્શ આચાર સંહિતા તથા જનપ્રતિનિધિત્વ ધારા નો ભંગ કર્યો હોવાનું અરજીમાં જણાવાયું છે.