ભાજપના નેતાએ પ્રજજવલ સેકસ કાંડની પેન ડ્રાઈવ પોલીસને સુપ્રત કરી
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા કર્ણાટકમાં ભાજપના સાથી પક્ષ જેડીએસના સાંસદ અને હાસન બેઠકના ઉમેદવાર પ્રજજવલ રેવાના સેક્સ કાંડની પેન ડ્રાઈવ ભાજપના નેતા દેવરાજ ગોવડાએ ગુરુવારે આ બનાવોની તપાસ કરી રહેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સુપ્રત કરી અને નિવેદન લખાવ્યું હતું. આ પેન ડ્રાઇવ તેમને પ્રજજવલ રેવાના ના ડ્રાઇવર કાર્તિકે આપી હોવાનું તેમણે જણાવ્યું હતું.
નોંધનીય છે કે પ્રજજવલ રેવાનાના આ હેવાનિયતભર્યા કૃત્યો અંગે તેમણે કર્ણાટક ભાજપના પ્રમુખ બીઆર વિજયેન્દ્રને પત્ર લખીને જાણ કરી હતી અને પ્રજજવલને ટિકિટ ન આપવાનો અનુરોધ કર્યો હતો. રેવાનાની 3000 કરતા વધારે વિડીયો કોંગ્રેસના નેતાઓ પાસે પણ હોવાની ચેતવણી તેમણે ભાજપ પ્રમુખને આપી હતી. જોકે ભાજપના પ્રમુખે આવો કોઈ પત્ર ન મળ્યો હોવાનો ખુલાસો કર્યો હતો.એ દાવા અને પ્રતિ દાવા વચ્ચે હવે ભાજપના એ નેતાએ પોલીસને પેન ડ્રાઈવ સોંપતા વિવાદ વકર્યો છે.
સેક્સ કાંડને કારણે બીજા ચરણની ચૂંટણીમાં સમીકરણો બદલાયા
ભારતીય જનતા પક્ષ માટે કર્ણાટકની ચૂંટણી અનોખું મહત્વ ધરાવે છે. 2019 માં કર્ણાટકની 28 માંથી 25 બેઠકો પર ભાજપને વિજય મળ્યો હતો. ભાજપે આ વખતે 400 પારનું સૂત્ર આપ્યું છે. તે હાંસિલ કરવા માટે કર્ણાટકમાં ગત ચુંટણી જેટલી બેઠકો જાળવી રાખવી જરૂરી છે. પણ આ સેક્સ કાંડ ને પગલે ભાજપની હાલત ખરાબ થઇ ગઇ છે. તેમાં પણ ભાજપને જાણ હોવા છતાં ટિકિટ આપી હોવાનો ભાજપના જ નેતાઓએ આક્ષેપ કરતાં ભારતીય જનતા પક્ષ ઉપર પ્રહારો કરવાની કોંગ્રેસને તક મળી ગઈ છે. બીજી તરફ કર્ણાટકના લોકોમાં અને ખાસ કરીને મહિલાઓમાં ભારે પ્રવર્તે છે. આ સંજોગોમાં સાતમી તારીખે યોજાનારી 14 બેઠકોની ચૂંટણીના સમીકરણો બદલાઈ ગયા હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. ત્રીજા ચરણમાં ભાજપના ગઢ ગણાતા ઓલ્ડ મૈસુર અને તટીય પ્રદેશમાં મતદાન થશે. બીજી તરફ દુષ્કર્મની ફરિયાદ કરનાર ત્રણમાંથી બે મહિલાઓ વોકા લીધા સમુદાયની હોવાને કારણે એ સમુદાયની ભાજપની વોટબેંકમાં ગાબડું પડવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે.
જેડીએસની મહિલા કાર્યકરે ફરિયાદ નોંધાવી
પ્રજજવલ રેવાના સામે અત્યાર સુધીમાં દુષ્કર્મની ત્રણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ગુરુવારે જેડીએસ ની જ મહિલા કાર્યકરે વધુ એક ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યા અનુસાર એ મહિલા કોઈ કામ માટે પ્રજજવલ રેવાનાને રજૂઆત કરવા ગઈ હતી. એ સમયે એ મહિલાના પિતા રેવાના પરિવારની વિરૂધ્ધમાં કામ કરતા હોવાનો આક્ષેપ કરી પ્રજ્જવલે બંદૂક કાઢી હતી અને બાદમાં એ મહિલાને નિર્વસ્ત્ર કરી તેનો વિડીયો ઉતારી લીધો હતો. એ મહિલાએ કરેલી દુષ્કર્મની ફરિયાદ તથા રેવાના ની હવસખોરીના અન્ય કિસ્સાઓ બહાર આવતા કર્ણાટકમાં ભારે ફિટકાર વરસી રહ્યો છે.