દોષિત નેતાઓના ચુંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકો
એમિક્સ ક્યુરી હંસારિયાએ સુપ્રીમ કોર્ટને અહેવાલ સોંપી દીધો
દેશમાં એક યા બીજી રીતે ગુનાખોરીમાં સંડોવાયેલા અને ગંભીર અપરાધ આચરનારા સાંસદો , ધારાસભ્યો, નેતાઓ અંગે તાજેતરમાં જ રિપોર્ટ આવ્યો હતો અને હવે આવા દોષિત નેતાઓના ચુંટણી લડવા પર આજીવન પ્રતિબંધની ભલામણ સુપ્રીમ કોર્ટને કરાઇ છે.
દોષિત નેતાઓના આજીવન ચૂંટણી લડવા પર રોક લગાવવાની અરજી પર સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યૂરી વિજય હંસારિયાએ સુપ્રીમકોર્ટને 19મો રિપોર્ટ સોંપ્યો હતો .
એમિકસ ક્યૂરીએ રિપોર્ટમાં એ વાતને સમર્થન આપતાં કહ્યું કે જો કોઈ નેતા દોષિત હોય તો તેના ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે. રિપોર્ટમાં કહેવાયું છે કે દોષિત નેતાઓ પર 6 વર્ષના પ્રતિબંધની જગ્યાએ આજીવન પ્રતિબંધ મૂકવાની જરૂર છે.
દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો સામે લંબિત કેસની સંખ્યા સતત વધતી જઈ રહી છે. દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો સામે નવેમ્બર 2022 સુધીમાં કુલ પેન્ડિંગ કેસની સંખ્યા 5175 હતી. આ આંકડો 2018માં 4122 હતો. યુપીમાં સાંસદ-ધારાસભ્યો સામેના પેન્ડિંગ કેસની સંખ્યા સૌથી વધુ છે. અહીં નવેમ્બર 2022 સુધીમાં કુલ 1377 કેસ સાંસદ-ધારાસભ્યો સામે પેન્ડિંગ હતા.
એમિકસ ક્યૂરીએ તેમના રિપોર્ટમાં કહ્યું કે કેન્દ્રીય સતર્કતા આયોગ એક્ટ, 2003 અને લોકપાલ અને લોકાયુક્ત એક્ટ, 2013 હેઠળ દોષિત ઠેરવાયા બાદ કાયમી અયોગ્યતા ધારણ કરવાથી હટાવવાની જોગવાઈ છે. કલમ 8 હેઠળ ગુનાની ગંભીરતાના આધારે વર્ગીકરણ કરાયું છે પણ તમામ કેસમાં દોષિત ઠેરવાયા બાદ અયોગ્યતા ફક્ત 6 વર્ષ માટે નક્કી કરાઇ છે.
