સિંધિયાના વધુ એક વફાદાર ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
1200 કારના કાફલા સાથે શક્તિ પ્રદર્શન, મધ્યપ્રદેશમાં ભાજપના અનેક નેતાઓ વાડ ઠેકયા
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના વફાદાર ગણાતા ભાજપના ધારાસભ્ય સમંદર પટેલ કોંગ્રેસમાં જોડાઈ જતા ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સિંધિયા જૂથના બે સિનિયર નેતાઓ ભાજપને અલવિદા કરી કોંગ્રેસનું શરણું સ્વીકારી ચૂક્યા છે.
જાવાદ બેઠકના ભાજપના ધારાસભ્ય સમંદર પટેલની દિગજ નેતામાં ગણતરી થાય છે. 2018માં ટિકિટ ન મળતા કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ અપક્ષ તરીકે વિજયી થયા હતા. બાદમાં 2019 માં કોંગ્રેસમાં તેમની ઘરવાપસી થઈ હતી પણ 2020 માં સિંધિયાના સમર્થનમાં કોંગ્રેસ સાથે છેડો પાડી તેઓ ભાજપમાં જોડાયા હતા. હવે ફરી એક વખત તેઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે સમંદર પટેલ પોતાના મતક્ષેત્ર થી ભોપાલ સુધી 5000 કાર્યકરો અને 1200 કારના કાફલા સાથે ભોપાલ ખાતે ની કોંગ્રેસ વખતે પહોંચ્યા હતા.
આ અગાઉ સિંધિયા જૂથના શિવપુરી ના બે સિનિયર નેતાઓ બ્રિજનાથ સિંહ યાદવ અને રાકેશકુમાર ગુપ્તાએ પણ ભાજપમાંથી કોંગ્રેસમાં કૂદકો માર્યો હતો. એ બંને પણ 700 કારના કાફલા સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું.
ભાજપ છોડનારા દિગ્ગજ નેતાઓ
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશીના પુત્ર દિપક જોશી કોંગ્રેસમાં જોડાયા હતા.તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કેબિનેટ મંત્રીની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. કટની વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ધ્રુવ પ્રતાપસિંઘ, દાંતિયાના પૂર્વ ધારાસભ્ય રાધેશ્યામ બગેલ તેમજ ‘ બેન્ડિટ કિંગ ‘ તરીકે પ્રખ્યાત મલખાન સિંઘ પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે.