છત્તીસગઢમાં ભાજપના વધુ એક નેતાની નકસલીઓ દ્વારા ક્રૂર હત્યા
ભાજપના નેતાની હત્યાનો સાતમો બનાવ
છત્તીસગઢમાં મંગળવારે માઓ નકસલવાદીઓ પ્રભાવિત 20 બેઠકો પર મતદાન થવાનું છે તે પહેલા નકસલીઓએ ભારતીય જનતા પક્ષના નારાયણપુર જિલ્લાના પ્રમુખ રતન દુબેની ધોળે દિવસે હજારો લોકોની ઉપસ્થિતિમાં કરપીણ હત્યા કરી હતી. દસ દિવસ પહેલા નકસલીઓએ બસ્તર જિલ્લામાં વોટ માંગવા ન આવવાની રાજકીય પક્ષોને ચેતવણી આપી તે પછી યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રતન દુબેએ ધાચૂદાહ વિસ્તારમાં વિશાળ જનસભા ને સંબોધન કર્યું હતું. સભા પૂર્ણ થયા બાદ લોકોના મનોરંજન માટે ‘કુકડા લડાઈ ‘ નું આયોજન કરાયું હતું. એ દરમિયાન પ્રેક્ષકોના સ્વાંગમાં રહેલા નક્ષલી આતંકવાદીઓ દુબે તરફ ધસી ગયા હતા. ખતરો ભાળી ગયેલા રતન દુબેએ બચવા માટે દોટ મૂકી હતી પરંતુ પીછો કરી રહેલા આતંકીઓએ ગોળી મારતા તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. બાદમાં હત્યારાઓએ કુહાડી તથા તલવારના ઘા મારી દુબે ને વેતરી નાખ્યા હતા.
અત્યાર સુધીમાં ભાજપના સાતમા નેતાની હત્યા
આ વર્ષે ભાજપના સાત નેતાઓ નકસલવાદી આતંકનો ભોગ બન્યા છે. 20 મી ઓક્ટોબરે ભાજપના નેતા બીરજુ તારામાં, 20 મી જુને કાકા અર્જુન, 16 મી જાન્યુઆરીએ બુદ્ધિરામ કારગમ, પાંચમી ફેબ્રુઆરીએ નીલકંઠ કાકેમ અને દસમી ફેબ્રુઆરીએ છત્તીસગઢ ભાજપના ઉપપ્રમુખ સાગર સાહુ અને રામદાર આલવાની અલગ અલગ સ્થળે હત્યા થઈ હતી
2013માં કોંગ્રેસની આખી નેતાગીરી સાફ થઈ ગઈ હતી
રતન દુબઈની હત્યા બદલ ભાજપે નક્સલિયો સામે લડવાની ઉપેશ બઘેલ સરકારની નિષ્ફળતાને જવાબદાર ગણાવી આક્ષેપો કર્યા હતા. જોકે છત્તીસગઢમાં ચૂંટણીલક્ષી હત્યા એ કોઈ નવી વાત નથી. 2013 માં ભાજપના રમણસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે 25 મી મેના રોજ સુખમાં જિલ્લાની જેરામ ઘાટીમાં પ્રચાર માટે થઈ રહેલા કોંગ્રેસી નેતાઓના કાફલા ઉપર 250 નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો તેમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેન્દ્ર કામત, છત્તીસગઢ કોંગ્રેસ પ્રમુખ નંદકુમાર પટેલ, દિગજ નેતા વિદ્યાચરણ શુક્લ અને કોંગ્રેસના રાજ્યકક્ષાના અન્ય ટોચના નેતાઓ સહિત કુલ 27 લોકો માર્યા ગયા હતા.
