અને હવે ‘ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત ‘
સતાવાર કાર્યક્રમોમાં ભારત નામનો ઉપયોગ શરૂ
G20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રી ભોજ કાર્યક્રમના આમંત્રણપત્રમાં આમંત્રક તરીકે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયા બાદ હવે એશિયન ઇન્ડિયા સમિટમાં ઇન્ડોનેશિયા જઈ રહેલા વડાપ્રધાનના કાર્યક્રમની નોંધમાં પણ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ને બદલે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત લખવામાં આવ્યું છે. ઇન્ડિયા અને ભારતના વિવાદ વચ્ચે સરકારે હવે તમામ સત્તાવાર કાર્યક્રમમાં દેશના નામ તરીકે ભારત શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. સાતમી સપ્ટેમ્બરે આયોજિત એ એ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે જનાર અધિકારીઓ અને પ્રતિનિધિ મંડળના સભ્યોના ઓળખપત્રોમાં પણ ભારત શબ્દ નો ઉપયોગ થયો છે. સંસદ ના વિશેષ સત્રમાં સરકાર દેશનું નામ બદલવા નો પ્રસ્તાવ લાવી શકે છે તેવી સંભાવનાઓ વચ્ચે સરકારે તમામ સત્તાવાર કાર્યક્રમમાં ઇન્ડિયા ને બદલે ભારત નામનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે વિદેશના પ્રવાસે જઈ રહેલા વડાપ્રધાન માટે પ્રથમ વખત પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબીત પાત્રાએ ટ્વીટર ઉપર આ નોંધ મૂકી તે પછી ફરી એક વખત વિપક્ષોએ સરકારની ઠેકડી ઉડાડતી ટીકાઓનો મારો ચલાવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે,” જુઓ વિપક્ષી મોરચાએ ઇન્ડિયા નામ રાખ્યું તેનાથી વડાપ્રધાન કેટલા મુંઝાઈ ગયા છે.” તેમણે કટાક્ષ કર્યો કે સરકારે જે નોટમાં ભારત શબ્દનો ઉપયોગ કર્યો છે તેમાં જ ‘ એશિયન ઇન્ડિયા ‘ શબ્દનો પણ સમાવેશ થયેલો છે.
બંધારણ વાંચો: જયશંકર
આ વિવાદ માં ઝંપલાવતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે બધાએ બંધારણ વાંચવું જોઈએ. તેમાં પણ ‘ઇન્ડિયા ધેટ ઈઝ ભારત’ લખેલું છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યું કે જ્યારે તમે ભારત કહો છો ત્યારે તેની સાથે એક અર્થ અને સમજ આવે છે અને તે આપણા બંધારણમાં પણ પ્રતિબિંબિત થાય છે.
ધ્યાન ભટકવાનો પ્રયાસ: ગૌરવ ગોગોઈ
કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઇ એ કહ્યું કે અમારો પક્ષ ઇન્ડિયા અને ભારત બંને માટે કામ કરે છે જ્યારે ભાજપે તેનું સઘળું ધ્યાન ઇન્ડિયા વિરુદ્ધ ભારત બનાવવામાં લગાડી દીધું છે. તેમણે કહ્યું કે આવા ગતકડા દ્વારા ભાજપ અદાણી, ચીન, લદાખ અને મણીપુર જેવા મુદ્દાઓમાંથી લોકોનું ધ્યાન બીજે ભટકાવવાનો પ્રયાસ કરે છે.