બધા મુસ્લિમો પહેલા હિંદુ જ હતા : ગુલામ નબી આઝાદ
ગુલામ નબી આઝાદે ઐતિહાસિક તથ્યો રજૂ કર્યા
ઇસ્લામને તો પંદરસો વર્ષ જ થયા, હિન્દુ ધર્મ તો ખૂબ જૂનો છે.
કોંગ્રેસ છોડીને પોતાની ડેમોક્રેટિક આઝાદ પાર્ટી બનાવનાર જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીઢ મુસ્લિમ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે ભારતમાં વસતા બધા મુસ્લિમો મૂળભૂત રીતે હિન્દુ જ હતા. જમ્મુના ડોડા જિલ્લાના થાતરી વિસ્તારમાં સંબોધન કરતી વેળાએ તેમણે આ વાત કરી હતી.તેમના આ નિવેદનના ઘેરા પડઘા પડવાની સંભાવના છે.
આઝાદે કહ્યું કે ઇસ્લામ ને તો 1500 વર્ષ જ થયા છે, હિંદુ ધર્મ તો સૌથી પ્રાચીન છે. તેમણે વિશેષ માં ઉમેર્યું કે ભારતમાં ઇસ્લામ ધર્મ બહારથી આવ્યો છે. મોગલ સેના સાથે 10 – 20 મુસ્લિમ આવ્યા હતા. બાકીના બધા મુસ્લિમો ધર્મ પરિવર્તન કરેલા હિંદુઓ જ છે.ભારતમાં જન્મેલો દરેક માણસ હિંદુ ધર્મમાં જ જનમ્યો છે.
તેમણે કહ્યું કે આપણી પાસે કાશ્મીરનું દ્રષ્ટાંત છે. 600 વર્ષ પહેલાં કાશ્મીરમાં કોણ મુસલમાન હતું? કાશ્મીરમાં એક પણ મુસ્લિમ નહોતો.એ પછી કાશ્મીરી પંડિતો ઇસ્લામ અંગીકાર કરીને મુસલમાન બન્યા હોવાનો દાવો તેમણે કર્યો હતો.અંત માં તેમણે કહ્યું હતું કે આ આપણું બધાનું ઘર છે.કોઈ બહારથી નથી આવ્યું. આપણે બધા આ ધરતી ઉપર જન્મ્યા અને આ ધરતી ઉપર જ દફન થશું.
આઝાદે કરેલા આ ભાષણ નો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મિશ્ર પ્રતિભાવોથી ઉભરાઈ ગયા હતા. X ઉપર હજારો હિંદુઓએ આઝાદે ઐતિહાસિક તથ્ય જણાવ્યું હોવાનો મત વ્યક્ત કરી તેમની પ્રસંશા કરી હતી.જ્યારે કેટલાક મુસ્લિમ લોકોએ આઝાદ તો ભાજપ અને આર.એસ.એસ.ની ભાષા બોલતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કેટલાક લોકોએ આઝાદ ની પાર્ટી સાથે ગઠબંધન કરવા ભાજપને સલાહ આપી હતી.ઉલ્લેખનીય છે કે ગુલામ નબી આઝાદે આખી જિંદગી કોંગ્રેસમાં પસાર કર્યા બાદ મોવડી મંડળ સાથે મતભેદો થતાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.તેમણે જમમુ કાશ્મીરમાં 370મી કલમ દૂર કરવાના નિર્ણયનું પણ સમર્થન કર્યું હતું.તેમના એ વલણ થી નારાજ થઈ તેમની નવી પાર્ટીમાં જોડાયેલા અનેક નેતાઓ કોંગ્રેસમાં પરત ફર્યા હતા.હવે તેમના આ નવા નિવેદનના શું રાજકીય પડઘા પડે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
શું કહ્યું હતું મોહન ભગવત અને તોગડિયાએ?
2021 માં પુણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આરએસએસ ના વડા મોહન ભાગવતે પણ હિન્દુ અને મુસ્લિમોના એક જ પૂર્વજ હોવાનું અને દરેક ભારતીય નાગરિક હિન્દુ જ હોવાનું જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે ભારતમાં આક્રમણખોરો દ્વારા ઇસ્લામનો પ્રવેશ થયો હતો. આ ઇતિહાસ છે અને એ ઇતિહાસ તે રીતે જ વર્ણવવો જોઈએ.
વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડીયાએ ભાવનગરના એક કાર્યક્રમમાં આ જ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતના મુસ્લિમોના પૂર્વજ હિંદુઓ હતા. ખ્રિસ્તીઓના પૂર્વજો પણ હિન્દુ હતા.મોગલોએ તલવારની અણીએ અત્યાચારો આચરીને ઘણા લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. નોંધનીય છે કે વિહીપ દ્વારા વટલાયેલા હિન્દુઓની ઘરવાપસીના કાર્યક્રમમાં પણ યોજવામાં આવ્યા હતા.