ચંદ્રયાન- 3 ની સફળતા બાદ હવે દેશનું સૂર્યયાન બીજી સપ્ટેમ્બરે લોન્ચ થશે
ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ ઈસરોના વૈજ્ઞાનિકો હવે બીજા મહત્વના મિશન હાથ ધરવા માંગે છે અને હવે આપણા દેશનું સૂર્યયાન 2 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવાનું છે અને ફરીવાર ઐતિહાસિક અને વિરલ સિદ્ધિ પામવા માટે વૈજ્ઞાનિકો તૈયાર થઈ રહ્યા છે. આદિત્ય-એલ1 મિશનને લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. શ્રીહરિકોટા સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી તેનું લોન્ચિંગ કરવામાં આવશે. અમદાવાદમાં ઈસરોના સ્પેસ એપ્લીકેશનના ડાયરેક્ટર નીલેશ એમ.દેસાઈએ મીડિયા ને આ મુજબની માહિતી આપી હતી
એમણે કહ્યું કે, ‘આદિત્ય-એલ1’ 127 દિવસમાં 15 લાખ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે. આ મિશનને સતીશ ધવન સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. ત્યાંથી તેને રોકેટમાં ફીટ કરવામાં આવશે. લોકો આદિત્ય-એલ1ને સૂર્યયાન પણ કહે છે. આદિત્ય-એલ1 ભારતનું પ્રથમ સોલર મિશન છે.
આ મિશન સંબંધિત સૌથી મહત્વપૂર્ણ વિજિબલ એમિશન કોરોગ્રાફ (VELC) છે, જેને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ એસ્ટ્રોફિજિક્સે બનાવ્યો છે. સૂર્યયાનમાં 7 પેલોડ્સ છે, જેમાંથી 6 પેલોડ્સ ઈસરો અને અન્ય સંસ્થાઓએ બનાવ્યા છે.