સૈફ ઉપર હુમલો, બોલીવુડે મુંબઈને ગણાવ્યુ અનસેફ
-સૈફના શરીર ઉપર છરીના છ ઘા, લીલાવતી હોસ્પિટલમાં ઓપરેશન બાદ ખતરો ટળ્યો
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી સતગુરુ શરણ બિલ્ડીંગમાં રહેતા બોલીવુડના અભિનેતા સૈફઅલી ખાન ઉપર છરી વડે થયેલા હુમલાએ મુંબઈવાસીઓને અને ખાસ કરીને બોલીવુડ જગતને ખળભળાવી દીધુ છે. સૈફ અલીખાનના ઘરમાં રાત્રે ૨-૩૦ વાગ્યાની આસપાસ ચોરી કરવાના ઈરાદે ઘુસેલા શખશે પહેલા ઘરની નોકરાણી અને ત્યાર બાદ સૈફ અલીખાન ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ સૈફઅલી ખાનને તેનો પુત્ર ઈબ્રાહીમ લીલાવતી હોસ્પિટલ લઇ ગયો હતો જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું. ડોક્ટરોએ સૈફ ઉપર છરીના છ ઘા થયાનું જાહેર કર્યું હતું અને તેની કરોડરજ્જુમાંથી ધારદાર ચપ્પુનો ટુકડો કાઢ્યો હતો.
સૈફને ડોક, ડાબા હાથમાં પણ ઈજા પહોંચી છે. ડોક્ટરોએ તેની હાલત ખતરાથી બહાર ગણાવી છે. આ ઘટના બાદ હરકતમાં આવેલી મુંબઈ પોલીસે સીસીટીવીના આધારે ચોરની ઓળખ પણ કરી લીધી છે અને તેને સકંજામાં લેવા માટે ટીમને દોડાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોર શરૂઆતમાં તૈમુર અને જેહના રૂમમાં ઘુસ્યો હતો અને આ સ્થળે હાઉસ મેઈડ હાજર હતી. ચોરને જોઇને બુમાબુમ કરવામાં આવતા સૈફ દોડી આવ્યો હતો અને ચોરને પકડવાની કોશિશ કરી હતી પરંતુ ચોરે નેફામાંથી છરી કાઢીને હુમલો કર્યો હતો અને પછી જે રસ્તેથી આવ્યો હતો તે રસ્તેથી જ નાસી ગયો હતો.
સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે ડીસીપી ક્રાઈમ બ્રાંચ દિક્ષિત ગેડમના જણાવ્યા અનુસાર હુમલાખોરો સૈફ અલી ખાનનાં બાંદ્રા સ્થિત ઘરમાં ચોરીના ઈરાદે ઘુસ્યા હતા. આરોપીની ઓળખ થઈ ગઈ છે.. આ માટે પોલીસે 7 ટીમો બનાવી છે. ડીસીપી દીક્ષિતે મીડિયાને જણાવ્યું કે, તેમને ગુરુવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ સમાચાર મળ્યા હતા કે સૈફ પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
મીડિયા રીપોર્ટસ અનુસાર, આ ઘટના બની ત્યારે કરીના કપૂર બહાર હતી અને ખબર પડતા જ તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ પહોંચી ગઈ હતી. આ સિવાય કરિશ્મા કપૂર, સારાઅલી ખાન, સોહાઅલી ખાન સહિતના લોકો દોડી ગયા હતા. આ ઘટના બાદ ખાસ કરીને બોલીવુડે મુંબઈને અનસેફ ગણાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉઠાવ્યા છે.
હાઈસિક્યોરિટી હોવા છતાં ચોર ઘુસ્યો કેવી રીતે ?
બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે આટલી હાઈસિક્યોરિટી હોવા છતાં ચોર ઘરમાં કેવી રીતે પહોંચ્યો હશે..સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે તેણે કોઈને અંદર આવતો જોયો નથી. જયારે પોલીસે કહ્યુ કે, હુમલાખોર ફાયર એસ્કેપ દ્વારા ઘરમાં ઘુસ્યો હતો અને એ જ રસ્તે નાસી ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે તેની ઓળખ મેળવી લીધી છે. એવું પણ માનવામાં આવે છે કે શંકાસ્પદ વ્યક્તિ પહેલા ઘરના પાછળના ભાગમાં નોકરાણીના ક્વાર્ટરમાં પ્રવેશ્યો હતો અને ત્યાંથી તેણે ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. હુમલાખોરે નોકરાણી સાથે દલીલ કરી હતી અને અવાજ સાંભળીને સૈફ જાગી ગયો હતો