નેપાળમાં માર્ગ અકસ્માતમાં 6 ભારતીય સહિત 7 લોકોના મૃત્યુ
બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ 15 મીટર ઊંડી ખીણમાં પડી
નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. બસમાં યાત્રાળુઓ હતા, જેમાંથી મોટાભાગના લોકો ભારતના હતા.
જિલ્લા પોલીસ બારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચારનું સારવાર દરમિયાન મોત થયું હતું. બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કહેવાય છે કે બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી. આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ 15 મીટર નીચે પડી ગઈ હતી.
જિલ્લા પોલીસ કચેરી મકવાનપુરે મૃતકોની ઓળખ લોહાર પટ્ટી, મહોત્તરીના 41 વર્ષીય બિજય લાલ પંડિત અને રાજસ્થાનના બહાદુર સિંહ (67), મીરા દેવી સિંહ (65), સત્યવતી સિંહ (60), રાજેન્દ્ર ચતુર્વેદી (70), શ્રીકાંત ચતુર્વેદી (65) અને બૈજંતી દેવી (67) તરીકે કરી છે.
