ઇઝરાયેલની એર સ્ટ્રાઈકમાં વધુ 55 નાગરિકોના મોત
સીરીયાના બે એરપોર્ટ પર બોમ્બવર્ષા
લેબેનોન સરહદે જંગ વધુ ભિષણ બન્યો
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ દિન પ્રતિદિન વધુ ભિષણ બનતું જાય છે. ઇઝરાયલે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરતાં પહેલાં ગાઝા સ્ટ્રીપ ઉપરના બોમ્બ હુમલા વધુ તીવ્ર બનાવવાનો વ્યુહ અપનાવ્યો છે. એ અંતર્ગત શનિવારે રાત્રે પણ ઈઝરાયેલી વાયુ સેનાએ ગાઝાને ઘમરોળી નાખ્યું હતું. એ હુમલામાં વધુ 55 નાગરિકોના મૃત્યુ થયા હતા અને 30 મકાનો તૂટી ગયા હતા.
ઇઝરાયલની વાયુ સેનાએ જેનીન રેફ્યુજી કેમ્પમાં આવેલી અનુસાર નામની મસ્જિદનો પણ કડુસલો બોલાવી દીધો હતો. એ મસ્જિદ નીચે ટનેલ હોવાનો ઇઝરાયેલ એ દાવો કર્યો હતો.
બીજી તરફ હેઝબોલ્લાહ અને અન્ય ઈસ્લામિક આતંકવાદી સંગઠનોના હુમલાને કારણે યુદ્ધ અનેક મોરચે વિસ્તરી રહ્યું છે. લેબેનોનમાંથી હેઝ બોલ્લાહ દ્વારા થતા અવિરત હુમલાને ધ્યાનમાં લઇ ઇઝરાયલે લેબેનોન સરહદ પાસેની પોતાની વધુ ૧૪ વસાહતો ખાલી કરાવી હતી. શનિવારે રાત્રે ઇઝરાયલે હેઝબોલ્લહના લશ્કરી મથકો ઉપર બોમ્બમારો કરતાં ચાર આતંકીઓ માર્યા ગયા હતા. સીરિયા તરફથી ઇઝરાયેલ ઉપર મિસાઈલ મારો થયા બાદ ઇઝરાયેલી વાયુ સેનાએ સીરિયામાં ઘુસીને દમાસ્કસ અને એલેપ્પો એરપોર્ટ ને નષ્ટ કર્યા હતા.
ત્રણ તબક્કાનો યુદ્ધ પ્લાન
ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગેલેંટે રક્ષા સમિતિ સમક્ષ ઇઝરાયેલની રણનીતિની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ યુદ્ધ ત્રણ તબક્કામાં લડવામાં આવશે. અત્યારે પ્રથમ તબક્કામાં આપણે એર સ્ટાઈલ દ્વારા હમાસના વિવિધ ઠેકાણાઓને નષ્ટ કરી રહ્યા છીએ. બીજા તબક્કામાં જમીની હુમલા દ્વારા હમાસના બધા શસ્ત્રાગાર, આશ્રય સ્થાનો, હથિયારો બનાવવાની ફેક્ટરીઓ, અંડર ગ્રાઉન્ડ ટનેલો વગેરેને સાફ કરી નાખવામાં આવશે. ઇઝરાયેલના સૈનિકો નાના નાના ઓપરેશનો દ્વારા હમાસના સિક્રેટ એજન્ટોને પતાવી દેશે અને ત્રીજા તબક્કામાં ગાઝા માં નવી સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે.
અમેરિકાએ વધારાની એર ડિફેન્સ સિસ્ટમ મોકલી
હેઝબોલ્લાહ અને હાઉથી આતંકવાદીઓએ નવો મોરચો ખોલ્યો અને ઈરાન પણ કદાચ યુદ્ધમાં ઝંપલાવે એ ખતરા ને ધ્યાનમાં લઈને અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધુ એર ડિફેન્સ સિસ્ટમ તેનાત કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે ઈરાન આ અગાઉ પણ પોતે યુદ્ધમાં સીધો જ સામેલ થઈ શકે છે તેવી ગર્ભિત ચેતવણી ઉચ્ચારતું રહ્યું છે.
ભારતે ગાઝા માટે સહાય સામગ્રી મોકલી
ગાઝામાં સર્જાયેલી અભૂતપૂર્વ માનવીય કટોકટીમાં મદદરૂપ થવા માટે ભારતે ,’ ભારત ના લોકો તરફથી ગાઝા ના લોકોને ભેટ ‘ તરીકે 39 ટન સહાય સામગ્રી મોકલી હતી. રવિવારે ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પરથી ભારતીય વાયુ સેનાનું વિમાન એ સામગ્રી લઈને ઇજિપ્તના એલ આરિષ વિમાની મથકે જવા રવાના થયું હતું. આ સામગ્રીમાં જીવન રક્ષક દવાઓ, સર્જીકલ વસ્તુઓ ટેન્ટ,તાડપત્રી, સ્લીપિંગ બેગ તથા પાણી શુદ્ધિકરણની ટેબલેટ્સનો સમાવેશ થાય છે.
ઇઝરાયેલ એ વધુ એક ગાઝા ખાલી કરવા સૂચના આપી
ઇઝરાયેલી વિમાનઓએ શનિવારે ફરી એક વખત ગાઝા સ્ટ્રીપ ઉપર પત્રિકાઓ ફેંકી હતી અને તેમાં ઉત્તર ગાઝાના લોકોને,’જો તેમને પોતાની જિંદગીની ચિંતા હોય તો ‘ દક્ષિણ ગાઝામાં ચાલ્યા જવાની સૂચના આપવામાં આવી હતી. ઇઝરાયલે ગાઝા ઉપરની એર સ્ટ્રાઈકમાં વધારો કરવાનો નિર્ણય કર્યા બાદ આ ચેતવણી આપવામાં આવી હતી.
વેસ્ટ બેંકમાં મોટું ઓપરેશન
ઇઝરાયલ કબજગ્રસ્ત વેસ્ટ બેંક ઉપર પણ તૂટી પડ્યું છે.શનિવારે ખાન યુનિસ શહેર પરની એર સ્ટ્રાઈકમાં 11 નાગરિકોના મૃત્યુ થયા હતા.42 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.વેસ્ટ બેંકમાં ઇઝરાયલે કરેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 89 લોકો માર્યા ગયા છે.489 લોકોની ધરપકડ કરવામાં આવી છે.ઇઝરાયલ દ્વારા અનેક મકાનો અને વાહનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા મોટીસંખ્યામાં લોકો બેઘર બની ગયા છે.ઇઝરાયલી સૈનિકો નિર્દોષ નાગરિકોને મારી નાખતા હોવાની માનવ અધિકાર સંગઠનો એ ફરિયાદ કરી છે.