હીટવેવને લીધે દેશમાં 54 નાગરિકોના મોત : એકલા બિહારમાં જ 32 લોકો મોતને ભેટ્યા :
- ઔરંગાબાદમાં લૂ લાગવાથી ૧૭ના મોત :ઓડિશા, ઝારખંડ અને રાજસ્થાનમાં 19 લોકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં આકરી ગરમીના કારણે લોકોની સ્થિતિ દયનીય બની છે. દેશમાં કુલ ૫૪ લોકોના મોત થયાનું બહાર આવ્યું છે. એકલા બિહારમાં જ ૩૨ લોકો મોતને ભેટ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો છે. જો કે આ કાળઝાળ ગરમીની અસર લોકો પર પણ પડી રહી છે. સ્થિતિ એવી છે કે ઘણા શહેરોમાં હીટવેવના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. જેમાં દિલ્હી એનસીઆર, રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ યુપી વગેરેમાં તાપમાનના દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યું છે.
ઔરંગાબાદમાં લૂ લાગવાથી ૧૭ લોકો મોતને ભેટ્યા છે.આ સિવાય ગયામાં ત્રણ, બક્સરમાં બે, આરામાં છ, પટનામાં ૧ અને દિલ્હીમાં ૧નું મોત થયું છે.
ઓડિશાના રાઉરકેલા શહેરમાં તીવ્ર ગરમીના કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ચરમસીમાએ છે. સરકારી હોસ્પિટલના ઈન્ચાર્જ ડોક્ટરના જણાવ્યા અનુસાર, મૃત્યુના આ 10 કેસ માત્ર બેથી છ કલાકના સમયગાળામાં થયા છે. હોસ્પિટલ પહોંચતા પહેલા જ આઠ લોકોના મોત થયા હતા. જ્યારે બાકીના બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.
ઝારખંડના પલામુમાં ભારે ગરમીના કારણે મોતનો ત્રીજો કેસ સામે આવ્યો છે. પલામુ જિલ્લામાં તીવ્ર ગરમીના લક્ષણોને કારણે એક મહિલા સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. જેમાંથી ત્રણ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે 1નું હોસ્પિટલની બહાર મોત થયું હતું.
રાજસ્થાનમાં કાળઝાળ ગરમીને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. ખુદ રાજ્ય સરકારે આ વાત સ્વીકારી છે.