ઇલોન મસ્કની ભારતની મુલાકાત મોકૂફ: અન્ય વ્યસ્તતા કારણભૂત
ભારતની મુલાકાત દરમિયાન ૨૦ થી ૩0 અબજ ડોલરના રોકાણની જાહેરાત અપેક્ષિત હતી
ટેસ્લા અને સ્પેસ એક્સ ના માલિક ઇલોન મસ્કની ભારતની મુલાકાત અચાનક મોફુક રહી છે. મસ્ક તારીખ 21 અને 22 એપ્રિલના રોજ ભારત આવવાના હતા અને વડાપ્રધાન મોદી સાથે પણ તેમની મુલાકાત ગોઠવાઈ હતી. ટેસ્લા સંબંધી અન્ય કામભારણ ને કારણે આ મુલાકાત મોકૂફ રાખી હોવાનું તેમણે X ઉપર જણાવ્યું હતું અને ભવિષ્યમાં આ વર્ષે જ ભારતની મુલાકાતે આવવાની જાહેરાત કરી હતી.
કિલોન મસ્કને 23 મી તારીખે અમેરિકામાં યોજાયેલ એક મહત્વની કોન્ફરન્સમાં ટેસ્લાના ત્રિમાસિક પરિણામો અંગે અહેવાલ આપવો હોવાથી આ મુલાકાત મોકૂફ રાખવી પડી હોવાનું જાણવા મળે છે.
ભારત માટે ઇલોન મસ્કની આ મુલાકાત ખૂબ મહત્વની હતી. તેઓ ટેસ્લાની ફેક્ટરી બાંધવા માટે ભારતમાં 20 થી 30 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરે તેવી સંભાવના હતી. નોંધનીય છે કે તેમના રોકાણને આકર્ષવાના હેતુથી ભારત સરકારે પણ જો વિદેશી કંપની ભારતમાં રોકાણ કરે તો ઈમ્પોર્ટેડ કાર ઉપરના ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઈલોન મસ્ક સાથે ચર્ચા વિચારણા કરવા માટે ભારત સરકારે સ્કાયરૂટ, એરો સ્પેસ, ધ્રુવ સ્પેસ, પાઈરસાઈટ અને દિગાંતરા જેવી કંપનીઓને પણ આમંત્રણ આપ્યું હતું.
નોંધનીય છે કે આ અગાઉ મોદી અને ઇલોન મસ્ક વચ્ચે બે વખત મુલાકાત થઈ ચૂકી છે. 2015માં મોદીએ અમેરિકાની મુલાકાત સમયે ટેસ્લા પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ગત વર્ષે પણ અમેરિકાની સત્તાવાર મુલાકાત સમયે તેમની અને ઈલોન મસ્ક વચ્ચે બેઠક યોજાઈ હતી. મોદીએ તેમને ભારતના સમર્થક ગણાવ્યા હતા.