હરિયાણા હિંસા કરનારા બે આરોપીઓનું એનકાઉન્ટર
ત્રીજા આરોપીને પગમાં ગોળી લાગતા હોસ્પિટલમાં ખસેડાયો
નૂહ હિંસા બાદ હરિયાણા પોલીસ સતત એક્શનમાં છે ત્યારે હવે આ હિંસાના બે આરોપીઓનુ પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. આ દરમિયાન એક આરોપીને પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે એન્કાઉન્ટર બાદ બે આરોપી મુનસેદ અને સૈકુલની ધરપકડ કરી છે.
હરિયાણાના મેવાત-નુહમાં 31મી જુલાઈએ બ્રિજ મંડળ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો જેના કારણે થોડા જ સમયમાં તે બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં સેંકડો કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બદમાશોએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો.
નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. આ પછી હિંસાની આગ નૂહથી ફરીદાબાદ-ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ હતી. નૂહ હિંસામાં બે હોમગાર્ડ સહિત છ લોકોના મોત થયા છે. આ હિંસાને પગલે નૂહ, ફરીદાબાદ, પલવલ સહિત ઘણી જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સિવાય નૂહમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. નૂહમાં અત્યાર સુધીમાં 140થી વધુ FIR નોંધાઈ છે. જ્યારે 300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નૂહમાં હિંસા બાદ હરિયાણા સરકારે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો. નૂહમાં રોહિંગ્યાઓના ગેરકાયદે બાંધકામ પર વહીવટીતંત્રે બુલડોઝર ચલાવ્યું હતું. આ ઉપરાંત એક હોટલ રેસ્ટોરન્ટને પણ તોડી પાડવામાં આવી હતી. વહીવટીતંત્રનો આરોપ છે કે હોટલ અને રેસ્ટોરન્ટની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નૂહમાં 162 કાયદેસર અને 591 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે બાદમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે બુલડોઝરની ચલાવવાની કામગીરી પર રોક લગાવી દીધી હતી.
