હવામાન વિભાગે શું કરી આગાહી ? જુઓ
હવામાન વિભાગની મોનસૂન અંગેની પ્રથમ આગાહી: 106 ટકા વર્ષા થઈ શકે છે : અર્થતંત્ર વધુ દોડશે
દેશના અર્થતંત્ર માટે મોનસૂનને લઈને સોમવારે ખૂબ સારા સમાચાર આવ્યા હતા. દેશમાં 2024માં સરેરાશથી વધુ ચોમાસાનો વરસાદ થવાની સંભાવના છે તેવું અનુમાન હવામાન ખાતાએ કર્યું છે. હવામાન વિભાગે મોનસૂનનું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કરીને નવી આશા બંધાવી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં 4 માસના મોનસૂન સિઝન દરમિયાન લોંગ ટર્મ એવરેજનો 106 ટકા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
સરકારે 15 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે, તેના કૃષિ ઉત્પાદન માટે ઉનાળાના વરસાદ પર ખૂબ આધાર રાખતા દેશ માટે એક મોટી વૃદ્ધિ છે. ચોમાસું, જે સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળના દક્ષિણ છેડે આવે છે અને સપ્ટેમ્બરના મધ્યમાં પીછેહઠ કરે છે. જો કે આ વર્ષે લાંબા ગાળાનો સરેરાશ કુલ 106% વરસાદ રહેવાની ધારણા છે તેવું અનુમાન હવામાન ખાતાએ કરતાં અર્થતંત્રમાં વધુ ગતિ આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સ્કાયમેટ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. જો કે કેટલાક વિસ્તારોમાં ઘટ રહેવાનો ભય પણ દર્શાવ્યો હતો.
ભારતમાં સારા ચોમાસા સાથે સંકળાયેલ લા નીનાની સ્થિતિ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં શરૂ થવાની સંભાવના છે, એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. આઈએમડીના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 1951 થી 2023 સુધીના ડેટા દર્શાવે છે કે જ્યારે લા નીનાએ અલ નીનો ઘટનાને અનુસરી ત્યારે ભારતમાં 9 પ્રસંગોએ સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ થયો હતો.
એમણે જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક પ્રદેશો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. આ આગાહી અનેક રાજ્યો માટે ખુશાલી સમાન બનશે.