સુરત ડાયમન્ડ બુર્સનું નરેન્દ્ર મોદી ૧૭ ડિસેમ્બરે કરશે ઉદ્ઘાટન
દક્ષિણ ગુજરાતના બહુ ચર્ચિત સુરત ડાયમન્ડ બુર્સનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ ડિસેમ્બરે ઉદ્ઘાટન કરશે. વિશ્વના સૌથી મોટા આ હીરાબજારની ઓપનિંગ સેરેમનીમાં દેશ-વિદેશના હીરા ઉદ્યોગના માંધાતાઓ, કંપનીઓના સી.ઈ.ઓ. સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે.
સુરત ડાયમન્ડ બુર્સના ચૅરમૅન વલ્લભ લાખાણીએ કહ્યું હતું કે ‘સહકારી ધોરણે અંદાજિત ૩૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સુરતના ખજોદમાં બનેલા વિશ્વના સૌથી મોટા હીરાબજાર તરીકે જાણીતા બની રહેલા સુરત હીરા બુર્સનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ ડિસેમ્બરે કરશે. ઉદ્ઘાટન સમારંભ ભવ્ય રીતે યોજવામાં આવશે. દેશ-વિદેશના હીરા ઉદ્યોગપતિઓ, નામાંકીત વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરવામાં આવશે. ઉદ્ઘાટન સમયે સુરત હીરા બુર્સમાં ૪૨૦૦ પૈકી વધુમાં વધુ ઑફિસો કાર્યરત થઈ જાય એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’