સતત પાંચમી વખત 6.5 ટકા રેપોરેટ યથાવત
અર્થ વ્યવસ્થા મજબૂત હોવાના સંકેત સાત ટકા જીડીપી વૃદ્ધિદરનો અંદાજ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા શુક્રવારે જાહેર કરેલી મોનેટરી પોલીસીમાં રેપોરેટ 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. અન્ય પોલીસી રેટ્સમાં પણ કાંઈ ફેરફાર નથી કરવામાં આવ્યા. રેપો રેટ યથાવત રાખવામાં આવતા લોનના દર તથા ઈએમઆઈમાં પણ કોઈ વધારો નહીં થાય. એ જ રીતે ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજના દર પણ યથાવત રહેવાની સંભાવના છે. નોંધનીય છે કે આરબીઆઇએ સતત પાંચમી વખત રેપોરેટમાં કોઈ ફેરફાર નથી કર્યો.
આરબીઆઈના ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતની અર્થ વ્યવસ્થા મજબૂત છે. જીએસટી કલેક્શન તથા મેનેજમેન્ટ ઇન્ડેક્સના આંકડા પણ મજબૂત રહ્યા છે. કૃષિ ધિરાણમાં વૃદ્ધિને કારણે રિકવરી સારી રહેવાની ધારણા છે. જોકે આરબીઆઈ ફુગાવા અને મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધારાયો
શશીકાંત દાસે જણાવ્યું કે સ્થાનિક માંગને કારણે ભારતની અર્થવ્યવસ્થા સતત વિકસી રહી છે. સરકારી ખર્ચને કારણે રોકાણની ગતિ વધી છે. ઇનપુટ ખર્ચમાં ઘટાડાથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું છે. આ સંજોગોમાં જુલાઈ સપ્ટેમ્બરમાં જીડીપી વૃદ્ધિદરના 6.5% થી 6.8% ના વધારાના અંદાજ સામે 7.6 ટકા વધારો હાંસલ કરી શકાયો હતો. 2024ના નાણાકીય વર્ષ માટે ગવર્નરે 7% ના વૃદ્ધિદરનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
છૂટક ફુગાવદર ચિંતાજનક
મોંઘવારી દરમાં નોંધાયેલા ઘટાડા છતાં એ દર સતત ચાર ટકા ઉપર રહ્યો હોવાનું આરબીઆઈ એ જણાવ્યું હતું. ઓક્ટોબરમાં શાકભાજીના ભાવ ઘટવાને કારણે રિટેલ મોંઘવારી દર 4.80 ટકા પર આવી ગયો હતો. સપ્ટેમ્બરમાં તે 5.02% હતો. ખાવા પીવાની ચીજ વસ્તુના દરમાં સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરમાં મામૂલી ઘટાડો થયા બાદ 6.61% દર નોંધાયો હતો. આરબીઆઈએ 2024 નાણાકીય વર્ષ માટે રિટેલ ઇન્ફોર્મેશન રેટ 5.4 ટકા રેવાની ધારણા વ્યક્ત કરી છે. તાત્પર્ય એ કે ફુગાવો અને મોંઘવારી હજુ આવતા વર્ષ સુધી સમસ્યા બની રહેશે.
ત્રણ મહત્વના નિર્ણય
1 ભારતમાં નાણાકીય ક્ષેત્રે ડેટા સુરક્ષા અને પ્રાઇવસી વધારવા માટે ક્લાઉડ ફેસીલીટી સ્થાપવા પર કામ ચાલુ છે
2 હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં એક ટ્રાન્જેક્શન દીઠ યુપીઆઇ લેણદેણ ની મર્યાદા એક લાખથી વધારી પાંચ લાખ કરવામાં આવી
3 ડિજિટલ લોન વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાના હેતુથી વેબ એગ્રીગેશન માટે કાનૂની માળખું તથા ફીનટેક ડિપોઝિટરી સ્થાપિત કરાશે.