શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કરનાર પંડિતોના વારસદારો જ કરશે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક બનારસના ગાગા પંડિતે કર્યો હતો તેમના વારસદાર પંડિત લક્ષ્મીકાંત મથુરનાથ દિક્ષિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે
અયોધ્યા
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે. આગામી મહિને રામ મંદિર તૈયાર થઈ જવાનું છે અને શ્રદ્ધાળુઓ તેના દર્શન કરવા પણ જઈ શકશે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક બનારસના જે પંડિતે કર્યો હતો તેના વારસદારો જ અયોધ્યાના રામ મંદિરમાં પણ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ કામ વારાણસી (બનારસ)ના વેદિક કર્મકાંડના વિદ્વાન પંડિત લક્ષ્મીકાંત મથુરનાથ દિક્ષિતને સોંપવામાં આવ્યું છે. તેમના પૂર્વજ ગાગા ભટ્ટે જ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક પણ કર્યો હતો.
22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તે સમયે પંડિત લક્ષ્મીકાંત મથુરદાસ દિક્ષિત કર્મકાંડના જાણકાર 121 પંડિતોની સાથે ટીમ સાથે ઉપસ્થિત રહેશે અને મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ વિદ્વાનો વેદની તમામ શાખાઓના અભ્યાસુઓ હશે અને સમગ્ર દેશમાંથી તેમને લાવવામાં આવશે.
પંડિત લક્ષ્મીકાંત દિક્ષિતની ઉંમર અત્યારે 87 વર્ષ છે. 17મી સદીમાં તેમના પૂર્વજ ગાગા ભટ્ટે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કર્યો હતો. તેથી તેમના પરિવાર માટે આ એક ઐતિહાસિક અવસર છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કાશીના 40 પંડિતો પણ જોડાશે.
વયોવૃદ્ધ પંડિત લક્ષ્મીકાંતે જણાવ્યું કે મહાન સાધુ સંતોના આશીર્વાદના કારણે મને રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું કામ સોંપવામાં આવ્યું છે. ભગવાન રામની ઈચ્છાથી હું મારું કર્તવ્ય બજાવીશ.
સપ્ટેમ્બર મહિનામાં પંડિત લક્ષ્મીકાંત દિક્ષિત અને આચાર્ય ગણેશ શાસ્ત્રી દ્રવિડ સહિતના વિદ્વાનોને કાશી કામાકોટીની શંકરાચાર્યએ અયોધ્યા મોકલ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી કરવા માટે જણાવ્યું હતું.
22 જાન્યુઆરીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંખ્યાબંધ સેલિબ્રિટિ ઉપસ્થિત રહેશે. પરંતુ આ માટે મહાપૂજા 16 જાન્યુઆરીથી જ શરૂ થઈ જશે. સૌથી પહેલા આચાર્ય લક્ષ્મીકાંત મથુરાનાથ અને તેમની સાથેના પંડિતો દ્વારા પ્રાથમિક વિધિ કરવામાં આવશે. તેમાં જળયાત્રા, તીર્થ, કળશ પૂજન અને કળશયાત્રા પણ સામેલ હશે.
ભગવાન રામની મૂર્તિમાં તેમના બાળપણનું રૂપ જોવા મળશે. આ મૂર્તિ 90 ટકા તૈયાર થઈ ગઈ છે. અયોધ્યામાં ત્રણ જગ્યાએથી શ્રેષ્ઠ મૂર્તિ પસંદ કરવામાં આવશે અને મંદિરના ટ્રસ્ટની ધાર્મિક સમિતિ આ પસંદગીનું કામ કરશે. કર્ણાટક અને રાજસ્થાનના પથ્થરોમાંથી બનેલી મૂર્તિને અંતિમ ઓપ આપવામાં એક અઠવાડિયું લાગી શકે છે.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશ-વિદેશની જાણીતી હસ્તિઓ હાજર રહેશે. તેમાં ફિલ્મ કલાકારોથી માંડીને ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ અને સાહિત્યકારોને પણ આમંત્રણ અપાયું છે. ક્રિકેટરોમાંથી સચિન તેંડુલકર અને વિરાટ કોહલી, ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી, બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, રામાયણમાં રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલ અને સીતાની ભૂમિકા ભજવનારા દીપિકા ચીખલિયાને પણ પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે RSSના સરસંઘચાલક મોહન ભાગવત, પતંજલિના સ્થાપક બાબા રામદેવને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.