શિંદે કેમ્પના ધારાસભ્યો બચશે કે ગેરલાયક ઠરશે?
11 મી જાન્યુ.સુધીમાં ચુકાદો આપવા મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને સુપ્રીમ કોર્ટનો આદેશ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા તેમના જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની શિવસેના ( ઠાકરે ) જૂથ દ્વારા કરવામાં આવેલી માગણીના કેસમાં 11મી જાન્યુઆરી સુધીમાં ચુકાદો આપવા સર્વોચ્ચ અદાલતે શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને આદેશ કર્યો હતો.
આ અગાઉ 18મી સપ્ટેમ્બરે સર્વોચ્ચ અદાલતે આ કેસની તપાસ અને ચુકાદાના ટાઈમ ટેબલ અંગે વિસ્તૃત જાણકારી આપવા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને સૂચના આપી હતી. અધ્યક્ષે 20 સપ્ટેમ્બર સુધીમાં એ કાર્યવાહી પૂર્ણ થઈ જવાની ખાતરી આપી હતી. જોકે બાદમાં એ અવધી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. ત્યાર બાદ,ધારાસભ્યોના ડીસક્વોલિફિકેશન અંગેની અરજીઓ ની તપાસમાં ખૂબ સમય લાગતો હોવાનું જણાવી અધ્યક્ષે ફરી એક વખત મુદત વધારવાની માગણી કરી હતી અને તેના અનુસંધાને ચીફ જસ્ટીસ ચંદ્રચુડે હવે 11 મી જાન્યુઆરી સુધીમાં ચુકાદો આપવાનો આદેશ કર્યો છે.
નોંધનીય છે કે એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યોએ બળવો કરતા ઉદ્ધવ ઠાકરે સરકાર ગબડી પડી હતી અને બાદમાં સિંધે જૂથે ભાજપ સાથે ગઠબંધન કરી સત્તા કબજે કરી હતી. એ દરમિયાન ઠાકરે જૂથે, બળવાખોર ધારાસભ્યો એ પક્ષ પલટા વિરોધી ધારા નો ભંગ કર્યો હોવાની ફરિયાદ કરી એકનાથ શિંદે તથા તેના જૂથના ધારાસભ્યોને ઘેર લાયક ઠરાવવા માટે અરજી કરી હતી. તેનો નિર્ણય લેવામાં અતિ વિલંબ થયા બાદ ઠાકરે જૂથે વધુ એક વખત સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. હવે સર્વોચ્ચ અદાલતે 11મી જાન્યુઆરી સુધીમાં ચુકાદો આપવાનો આદેશ કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી ગયો છે.