શા માટે થયું મહુઆ મોઇત્રાનું સાંસદપદ રદ.. જાણો ..
કેશ ફોર કવેરી કાંડમાં દોષિત ઠર્યા, વિપક્ષો દ્વારા મતદાનનો બહિષ્કાર
બહુ ગાજેલા કેશ ફોર કવેરી કાંડમાં સંસદની એથિક્સ કમિટીએ ટીએમસીના મહિલા સાંસદ મહુઆ મોઇત્રાને દોષિત ફેરવ્યા બાદ તેમનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું હતું.તેમની સામે ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાણી પાસેથી સંસદમાં પ્રશ્ન પૂછવા માટે રૂપિયા બે કરોડની રોકડ તેમજ લક્ઝરી આઈટમની ભેટ મેળવવાનો અને સંસદની વેબસાઈટ પરના પોતાના એકાઉન્ટના લોગીન પાસવર્ડ આપવાનો આરોપ હતો.
આક્ષેપો અંગે તપાસ કરનાર એથીક્સ કમિટીએ મોઇત્રાનું સાંસદ પદ રદ કરવાની તેમજ કાનૂની પગલા ભરવાની ભલામણ કરતો 500 પાનાનો રિપોર્ટ રજૂ કર્યા બાદ ભારે ધાંધલ ધમાલ વચ્ચે મતદાન થયું હતું. જોકે વિપક્ષોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
બપોરે 11 વાગ્યે એથીક્સ કમિટીએ સંસદમાં આહેવાલ રજૂ કર્યો તે સાથે જ ધાંધલ ધમાલ શરૂ થઈ જતાં સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. બાર વાગ્યે કાર્યવાહી પુનઃ શરૂ થઈ તે પછી પણ હંગામો ચાલુ રહેતા વધુ બે વખત કાર્યવાહી સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ મતદાન થયું હતું. અને બાદમાં મોઇત્રાનું સાંસદ પદ રદ કરાયું હોવાનો લોકસભાના સ્પીકર બિરલા એ ચુકાદો સંભળાવ્યો હતો.
મોઈત્રાને બોલવાની છૂટ ન અપાઇ
મહુઆ મોઇત્રાએ એથિક્સ કમિટી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી દીધો હોવાથી સંસદમાં તેમને બોલવાની છૂટ ના આપવાની સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ કરેલી માગણી સ્પીકર બિરલા એ સ્વીકારી મોઇત્રાને સંસદમાં બોલવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
ચર્ચા માટે માત્ર અડધો કલાક ફાળવાઇ
ટીએમસીએ 500 પાના રિપોર્ટનો અભ્યાસ કરવા માટે બે દિવસનો સમય આપવાની માંગણી કરી હતી. કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ પણ રિપોર્ટના અભ્યાસ માટે ત્રણ દિવસનો સમય ફાળવવા અનુરોધ કર્યો હતો. જોવકે લોકસભાના સ્પીકરે ચર્ચા માટે માત્ર અડધો કલાકનો સમય જ ફાળવતા સંસદમાં ભારે હંગામો થયો હતો. વિપક્ષોએ મોદી હાય હાય ના નારા લગાવ્યા હતા. મોઇત્રાએ તેમનું સાંસદ પદ રદ કરવા માટે એથીકસ કમિટીએ તમામ નિયમો તોડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.