લોકસભાના પૂર્વ સ્પિકર અને શિવસેનાના નેતા મનોહર જોશીનું નિધન
મુંબઈ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, લોકસભાના પૂર્વ સ્પિકર અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. મનોહર જોશીના દાદર સ્મશાન ગૃહમાં સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
મનોહર જોશી લગભગ 50 વર્ષથી રાજકારણ સાથે જોડાયેલા હતા. કાઉન્સિલર, મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્યથી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધી. તેઓ લોકસભા, રાજ્યસભાના સાંસદ, કેન્દ્રીય મંત્રી અને લોકસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે. તેમના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકનો માહોલ છે.
1995માં જ્યારે શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી ત્યારે મનોહર જોશી મુખ્યમંત્રી બન્યા હતા. મનોહર જોશીને બાળ ઠાકરેના સૌથી વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવતા હતા, તેથી તેમને સીએમ પદ આપવામાં આવ્યું હતું. શિવસેના તરફથી રાજ્યના મુખ્યમંત્રી બનનાર તેઓ પ્રથમ નેતા હતા. મનોહર જોશીએ 14 માર્ચ 1995ના રોજ મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને 1999 સુધી આ પદ પર રહ્યા. રાજકીય મતભેદને કારણે તેઓ મુખ્યમંત્રીનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.