યુપીના સપા નેતા આઝમ ખાન, પત્ની અને પુત્રને 7-7 વર્ષની કેદ
નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં દોષિત જાહેર થયા બાદ રામપુરની અદાલતે સજા ફટકારી, 2017 ની ચુંટણીમાં ખોટી વિગતો આપી હતી
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
યુપીના પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાન તેમની પત્ની ડો. તઝીન ફાતિમા અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને રામપુર કોર્ટે નકલી જન્મ પ્રમાણ પત્ર કેસમાં દોષી જાહેર કર્યા હતા . આ સાથે જ કોર્ટના આદેશ પર પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લઈ લીધા હતા . કોર્ટેે અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રો મામલે પોતાનો નિર્ણય સંભળાવી દીધો હતો અને આ કેસમાં ત્રણેયને સાત-સાત વર્ષની જેલ સજા ફટકારી હતી.
નકલી જન્મ પ્રમાણપત્રનો આ કેસ 2017 ની યુપી વિધાનસભા ચુંટણી સાથે જોડાયેલો છે. અબ્દુલ્લા ચુંટણીમાં ઊમેદવાર હતા અને જીતી ગયા હતા પણ પરિણામ બાદ એમની સામે ફરીયાદ દાખલ કરાઇ હતી. આરોપ એવો હતો કે છૂટણીના ફોમમા એમણે પોતાની વય ખોટી બતાવી હતી.
બીજેપી નેતા આકાશ સક્સેનાએ વર્ષ 2019માં આ કેસ દાખલ કરાવ્યો હતો. સરકારી વકીલ અરુણ કુમારે જણાવ્યું હતું કે, અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રના કેસમાં ત્રણેયને દોષી જાહેર કરવામાં આવ્યા છે. અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ ગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આઝમ ખાન, તેમની પત્ની અને પુત્ર અબ્દુલ્લા આઝમને આરોપી બનાવવામાં આવ્યા હતા.
અબદુલ્લા આઝમ પર આરોપ છે કે, તેની પાસે બે જન્મ પ્રમાણપત્રો છે. જેમાં એક જન્મ પ્રમાણપત્ર લખનૌ નગર પાલિકામાં બનાવડાવ્યુ છે અને બીજું રામપુરનું છે જે રામપુર નગરપાલિકામાંથી બન્યુ છે. તેના પર આ જન્મ પ્રમાણપત્રોનો સમય-સમયે પોતાની સુવિધા પ્રમાણે ઉપયોગ કરવાનો આરોપ છે. સજા અંગે આજે દલીલો પૂરી થઈ ગઈ હતી અને કોર્ટે ત્રણેયને 7-7 વર્ષની જેલ સજા કરી હતી.