મુખ્તાર અન્સારીના પોસ્ટમોર્ટમમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું…વાંચો
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દફનવિધિ સંપન્ન
ઉત્તર પ્રદેશના બાહુબલી રાજકારણી મુખ્તાર અન્સારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ગયા પછી એ સ્પષ્ટ બન્યું છે કે તેમનું મૃત્યુ હૃદય રોગના હુમલાને કારણે જ થયું હતું. નોંધનીય છે કે મુખ્તાર અન્સારીનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયા બાદ તેમના પરિવારજનોએ ધીમું ઝેર અપાયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
મુખ્તાર અન્સારીના મૃતદેહનું બાંદાની રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં પાંચ ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ સમયે તેમના પુત્ર પણ ઉપસ્થિત હતા. બાદમાં એ પ્રક્રિયા સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીએ હૃદય રોગના હુમલાને કારણે જ મૃત્યુ થયું હોવાનું એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું. દરમિયાન, મુખ્તાર અન્સારીના પરિવારજનોના આક્ષેપોને ધ્યાનમાં લઇ અને મૃત્યુના કારણ અંગે ત્રણ સભ્યોની તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.
દફનવિધિ સંપન્ન
પોસ્ટ મોર્ટમ થઈ ગયા બાદ શુક્રવારે મુખ્તાર અન્સારીના મૃતદેહને 24 પોલીસ વાહનોના કાફલા સાથે પ્રયાગરાજ, ભદોહી, કસુંબા અને વારાણસી થઈને 400 કિલોમીટર દૂર ગાજીપુર લઈ જવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સમાં તેમના પુત્રો અને પત્ની સાથે રહ્યા હતા. સમગ્ર રૂટ ઉપર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બાદમાં શનિવારે મૃતકના હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં મોહમદાબાદના કાલ્વાન કબ્રસ્તાનમાં દફનવિધિ સંપન્ન થઈ હતી.
