મહારાષ્ટ્ર – કર્ણાટકમાં NIA નું મોટું ઓપરેશન:13 આતંકી ઝડપાયા
ભારતમાં આતંકવાદ ફેલાવવાનું ખૌફનાક ષડયંત્ર
પકડાયેલા તમામની ISIS સાથે સાંઠગાંઠ
ભારતમાં આતંકવાદ ફેલાવવાનું ભયંકર ષડયંત્ર રચવાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ શનિવારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એક સાથે 41 સ્થળે દરોડા પાડી 13 શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ શખ્સો પુણેના હોવાનું અને આઇએસઆઇએસ સાથે સાંઠ ગાંઠ ધરાવતા હોવાનું ખુલ્યું છે. એ સાથે જ વિદેશી આકાઓના માર્ગદર્શન હેઠળ ભારતમાં અનેક સ્થળે આતંકવાદી હુમલા કરવાના વધુ એક ખોફનાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
પ્રાપ્ત વિગત મુજબ એનઆઈએ ની ટીમો પુણે માં બે, પુણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં નવ, ભાયંદરમાં એક અને કર્ણાટકમાં એક સ્થળે શનિવારે સવારે એક સાથે ત્રાટકી હતી. નોંધનીય છે કે આ અગાઉ પણ પુણેમાં આઈએસઆઈએસ મોડ્યુલનો પર્દાફાશ થયો હતો અને ત્યારથી સંદિગ્ધો ઉપર વિવિધ એજન્સીઓ ની બાજ નજર હતી. આઇએસએસ ના આતંકીઓએ ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપવા માટે હિંસક જેહાદ ચલાવવાનું અભિયાન હાથ ધર્યું છે. તે માટે મોટા પાયે સમાન વિચારધારા ધરાવતા યુવાનોને સામેલ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર આઈએસઆઈએસ સાથે જોડાયેલા લોકો દ્વારા યુવાનોની ભરતી કરી આઇડી જેવા વિસ્ફોટો કો બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.
પુણે આતંકવાદી પ્રવૃત્તિ નું હબ?
આ અગાઉ છઠ્ઠી નવેમ્બરે એનઆઈએ એ પુણે માંથી સાત શખ્સોની ધરપકડ કરી હતી. આઇએસઆઇ સાથે સંકળાયેલા એ તમામ યુવાનો ઉચ્ચ શિક્ષિત હતા અને નામાંકિત કંપનીઓમાં ફરજ બજાવતા હતા. આઈ ઈ ડી ( ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસ ) બનાવવા માટે આ શખ્સો કોર્ડવર્ડમાં વાત કરતા હતા અને આતંકવાદી હુમલાઓને અંજામ આપવા માટે મહારાષ્ટ્ર, ગોવા,કેરલ અને કર્ણાટકમાં રેકી કરી હતી. હુમલા માટેના સંભવિત લોકેશનની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે ડ્રોન નો ઉપયોગ કર્યો હોવાનું પણ ખુલ્યું હતું. એ અગાઉ 18મી જુલાઈએ વાહન ચોરીના આરોપસર પકડાયેલા મોહમ્મદ ઇમરાન ખાન અને મોહમ્મદ સાકી નામના બે શખસો પૂછપરછમાં પણ એ બંને આઇએસઆઇએસ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું હતું.