ભૂપેશ બઘેલ સામે ભાજપે મોરચો માંડ્યો
છત્તીસગઢ સરકારે મહાદેવને પણ ન મૂક્યા: મોદીના ચાબખા
છત્તીસગઢમાં પ્રથમ ચરણના વિધાનસભાના મતદાનના ચાર દિવસ પહેલા જ, મહાદેવ બેટિંગ એપ દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો ઈડી એ દાવો કર્યા બાદ રાજકારણ ગરમાયું છે.
છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે છત્તીસગઢની સરકારે લૂંટ કરવાનો એક પણ મોકો છોડ્યો નથી. ઈડી એ કરેલા દાવાનો હવાલો આપી મોદીએ કહ્યું કે આ લૂંટારુ સરકારે મહાદેવને પણ છોડ્યા નથી.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ પત્રકાર પરિષદ ભરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ હવાલાના ગેરકાયદે નાણાં વડે ચૂંટણી લડી રહી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે સત્તામાં રહીને સટ્ટા નો ખેલ ખેલાયો છે. આવું ભારતમાં પ્રથમ વખત બન્યું હોવાનું ઈરાનીએ જણાવ્યું હતું.
ઈડીએ શુક્રવારે પશ્ચિમ દાસ નામના એક શખ્સને 5.39 કરોડની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. એ રકમ છત્તીસગઢના કોઈ મિસ્ટર બઘેલને પહોંચાડવાની હોવાનું એ શખ્શે જણાવ્યા બાદ કરાયેલી તપાસમાં મહાદેવ બેટિંગ એપ દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ આપવામાં આવ્યા હોવાનો ઇડી એ દાવો કર્યો હતો.
બઘેલે આક્ષેપો નકાર્યા
છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કહ્યું કે મતદાન પહેલા મારી છબી બગાડવા માટેનો આ પ્રયાસ છે. ભાજપ ચૂંટણી હારી રહ્યો છે એટલે મતદાનના ચાર દિવસ પહેલા જ આવા આધાર પુરાવા વગરના આક્ષેપો ઉપર ઉતરી આવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે હિંમતા બિસવા સરમા અને અજીત પવાર સામે પણ તપાસ શરૂ કરી હતી પણ બંને બાદમાં મોદી વોશિંગ પાવડરથી ઉજળા થઈ ગયા હતા.