ભારતની નોકરીયાત મહિલાઓ યૌન ઉત્પિડન સાથે જીવવાનું શીખી લે
- યુપીના મહિલા ન્યાયાધીશના પત્રથી ખળભળાટ
- પોતે પણ પીડિત હોવાનું જણાવી સુપ્રીમ કોટ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરી
ઉત્તર પ્રદેશના બાંદા માં ફરજ બજાવતા એક મહિલા સિવિલ જજે બારાબંકીમાં તેમના કાર્યકાળ દરમિયાન એક જિલ્લાના ન્યાયાધીશે યૌન ઉત્પિડન કર્યું હોવાની સર્વોચ્ચ અદાલતને ફરિયાદ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ આ અંગે તેમની ફરિયાદ છતાં પણ અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ કે એડમિનિસ્ટ્રેટિવ જજે કોઈ પગલા ન લીધું હોવાનું જણાવી એ મહિલા ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ સમક્ષ ઇચ્છામૃત્યુની માગણી કરતા મામલો ગંભીર બની ગયો છે. ઘટનાની ગંભીરતા નિહાળી ચીફ જસ્ટીસે આ ફરિયાદ અંગે અલહાબાદ હાઇકોર્ટ પાસેથી સ્ટેટસ રિપોર્ટ મેળવવા તેમજ તમામ દસ્તાવેજો હસ્તગત કરવાનો આદેશ આપ્યો હતો.
મહિલા જજે એક ડિસ્ટ્રિક્ટ જજ તથા તેના સાગરીતો વિરુદ્ધ અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા. પોતાની ફરિયાદ છતાં કોઈપણ પ્રકારના પગલાં ન લેવાતા અંતે તેમણે સર્વોચ્ચ અદાલતને સંબોધીને પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે.
પત્રમાં તેમણે લખ્યું છે,” બારાબંકી માં મારુ યૌન ઉત્પિડન થયું છે. ડિસ્ટ્રિક્ટ જજ મને રાત્રે મુલાકાત માટે બોલાવતા, મારી સાથે કચરા જેવો વ્યવહાર થયો હતો. હું એક કીડાથી પણ તુચ્છ હોઉં એવી મને અનુભૂતિ થાય છે..”
તેમણે પત્રમાં લાચારી વ્યક્ત કરતાં કહ્યું છે,” જ્યારે મને પોતાને જ ન્યાય મળવાની કોઈ આશા નથી ત્યારે બીજાને હું શું ન્યાય અપાવવાની? ઉચ્ચ ન્યાયાલય મારી પ્રાર્થના સાંભળશે તેવી મને આશા હતી પરંતુ મારી પ્રાર્થના સાંભળાયા વગર જ કે તેના ઉપર કોઈ વિચાર કર્યા વગર જ માત્ર આઠ સેકન્ડમાં મારી રીટ યાચીકા નામંજૂર કરી દેવામાં આવી. મને લાગે છે કે મારા સન્માન અને મારા આત્માને પણ ખારીજ કરી દેવાયા છે”
હું હાલતી ચાલતી લાશ બની ગઈ છું
આક્રોશ વ્યક્ત કરતા મહિલા ન્યાયાધીશે વિશેષમાં લખ્યું છે,” ભારતમાં કામ કરતી મહિલાઓ યૌન ઉત્પિડન સાથે જીવવાનું શીખી લે. આ આપણા જીવનનું સત્ય છે. POCH act આપણને કહેવામાં આવેલું મોટામાં મોટું જુઠાણું છે. આપણું કોઈ સાંભળતું નથી, આપણી કોઈને પડી નથી..”
નિરાશ મહિલા જજે જીવનનો અંત આણવાની ઈચ્છા વ્યક્ત કરતા લખ્યું છે ,”હવે વધુ જીવવાની મારી ઈચ્છા નથી છેલ્લા દોઢ વર્ષે મને હાલતી ચાલતી લાશ બનાવી દીધી છે. આત્મા વગરના નિર્જીવ શરીરને લઈને જીવવાનો કોઈ અર્થ નથી”