“બેશર્મ કોંગ્રેસ લઘુમતિઓને ગૌમાંસખાવાનો અધિકાર આપવા માંગે છે” : યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના સાંંભલ બેઠકના લોકસભાના ઉમેદવાર પરમેશ્વર લાલની ચૂંટણી સભાને સંબોધતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ લઘુમતીઓને ગૌ માંસ ખાવાનો અધિકાર આપવા માગતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે આ બેશરમ લોકો ગૌમાતાને ખાટકીઓના હાથમાં સોંપી દેવા માંગે છે.
ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં ફરી એક વખત ગૌમાતા અને રામ કેન્દ્રસ્થાને આવી ગયા છે. આ અગાઉ મોરાદાબાદમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોંગ્રેસ લઘુમતીઓને તેમની પસંદગી મુજબનું ખાવાની સ્વતંત્રતા આપવા માંગે છે, અર્થાત કોંગ્રેસ ગૌમાતાની કતલની છૂટ આપવાની વાત કરે છે.
એ અગાઉ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અયોધ્યાની મુલાકાતે જવાના હોવાના અહેવાલ વહેતા થયા બાદ યોગીએ ટોણો માર્યો હતો કે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે રામના અસ્તિત્વને પણ સ્વીકારતી નહોતી અને હવે ‘ભાઈ બહેન ‘ રામલલ્લાના દર્શન કરવા ઉપડ્યા છે.!
મંગલસૂત્રો અને અડધુ મકાન કોંગ્રેસ છીનવી લેશે
યોગી આદિત્યનાથ એ કહ્યું કે કોંગ્રેસ તમારું સ્ત્રી ધન છીનવી અને રોહિંગિયા અને બાંગ્લાદેશના ઘુસાણખોરોને આપી દેશે. વડાપ્રધાન મોદીએ ‘ વારસાઈ કાનૂન ‘ અંગે કરેલી ટિપ્પણી નો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે કોઈનું ચાર રૂમનું મકાન હશે તો કોંગ્રેસ દ્વારા એ મકાનના બે ઓરડા લઈ લેવામાં આવશે. કોંગ્રેસ દેશમાં શરિયા કાનૂન લાગુ કરશે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
