બેંગલુરુમાં એક સાથે 45 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પોલીસે તમામ શાળાઓમાં જઈને બાળકો અને સ્ટાફને બહાર કાઢ્યા હતા
બેંગ્લોર
ભારતમાં આઈટી સેક્ટરના હબ ગણાતા બેંગલુરુ શહેરમાં એક-બે નહીં પણ 45 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઈલ મળ્યા હતા જેના કારણે આજે પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે તમામ શાળાઓમાં જઈને બાળકો અને સ્ટાફને બહાર કાઢ્યા હતા અને ત્યાર પછી શાળામાં વિસ્ફોટકોની તપાસ કરી હતી. પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ વાંધાજનક પદાર્થ મળ્યો નથી. એક સાથે 45 શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બની ધમકી આપવાનો અર્થ એ થયો કે કોઈએ દહેશત ફેલાવવા માટે મોટા પાયે કાવતરું ઘડ્યું છે.
બેંગલુરુના પોલીસ કમિશ્નર બી દયાનંદે જણાવ્યું કે ઘણી એન્ટી-સબોજેટ ટીમને તપાસ કરવા માટે સ્કૂલોમાં મોકલવામાં આવી છે. તેમને કોઈ વાંધાજનક ચીજ મળી નથી. અત્યારે એવું લાગે છે કે માત્ર ગભરાટ ફેલાવવા બોગસ મેસેજ કરાયો છે.
કેટલીક શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓને નજીકના ખુલ્લા મેદાનમાં મોકલી દીધા હતા જ્યારે બીજી કેટલીક શાળાઓએ વાલીઓને બોલાવીને બાળકોને ઘરે મોકલી દીધા હતા.
આ પ્રકારના ધમકીભર્યા મેસેજના કારણે બેંગલુરુની 40થી વધુ શાળાઓમાં દહેશત અને અંધાધૂંધીનો માહોલ છવાઈ ગયો હતો. શાળાઓના સ્ટાફને મેઈલ મળ્યો હતો કે તમારી શાળામાં વિસ્ફોટકો ગોઠવવામાં આવ્યા છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવાકુમારે જણાવ્યું કે આવી ધમકી આપનારા તત્ત્વોને 24 કલાકની અંદર પકડી લેવામાં આવશે. સાઈબર ક્રાઈમ પોલીસ આ બાબતમાં એક્ટિવ છે અને તેઓ પોતાનું કામ કરે છે. છતાં આપણે કોઈ બેદરકારી રાખવી ન જોઈએ.