પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મોદીના 11 દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ
તમામ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવા ભગવાને મને પસંદ કર્યો તે સદભાગ્ય: મોદી ભાવુક બન્યા
22મી જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે વડાપ્રધાન મોદીએ શુક્રવારે નાસિકધામ પંચવટી ખાતેથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો.
એક ઓડિયો મેસેજ દ્વારા તેમણે આ જાણકારી આપતા જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને હવે માત્ર 11 દિવસ જ બાકી રહ્યા છે. મારું એ સદભાગ્ય છે કે આ ઐતિહાસિક અને પવિત્ર અવસરનો હું સાક્ષી બની રહ્યો છું અને આ પ્રાણ પ્રતિષ્ઠા માટે ઈશ્વરે તમામ ભારતીયોનું પ્રતીતિત્વ કરવા માટે મને પસંદ કર્યો છે.
તેમણે શાસ્ત્રોનો હવાલો આપીને કહ્યું કે યજ્ઞ માટે આપણે આપણી અંદરની દિવ્ય ચેતનાને જાગ્રત કરવી જોઈએ.એ માટે શાસ્ત્રોએ વિધિ ,વિધાન, વ્રત અને કઠોર નિયમો દર્શાવ્યા છે. આ આ આધ્યાત્મિક યાત્રામાં સંતોના માર્ગદર્શન મુજબ એ વ્રત અને નિયમોનું 11 દિવસનું અનુષ્ઠાન હું આજથી શરૂ કરી રહ્યો છું. તેમણે આ પ્રસંગે ઈશ્વર અને જનતાના આશીર્વાદ માંગ્યા હતા.
મારી લાગણી શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો
વડાપ્રધાને કહ્યું કે જીવનની કેટલી ક્ષણો ઈશ્વરના આશીર્વાદથી જ યથાર્થ બને છે. આજે દરેક તરફ શ્રીરામ ભક્તિનું અદભુત વાતાવરણ છે. દરેક દેશવાસીને 22 મી જાન્યુઆરીની પ્રતીક્ષા છે. હું મારા જીવનમાં પહેલી વખત આવી લાગણી અનુભવી રહ્યો છું, રામ ભક્તિની અનુભૂતિ કરી રહ્યો છું. તેમણે ભાવુક બનીને જણાવ્યું કે મારા માટે આ અભિવ્યક્તિનો નહીં પણ અનુભૂતિ નો અવસર છે. હું ઈચ્છું તો પણ તેની ગહનતા, વ્યાપકતા અને તીવ્રતા શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો.
સ્વામી વિવેકાનંદ જીજાભાઈ અને હીરાબેન ને યાદ કર્યા
વડાપ્રધાને કહ્યું કે આજે અનુષ્ઠાનનો પ્રારંભ સ્વામી વિવેકાનંદ તેમજ માતા જીજાબાઈ ની જન્મ જયંતી એ થઈ રહ્યો છે એ પણ એક આનંદપૂર્ણ યોગાનુયોગ છે. સ્વામી વિવેકાનંદે હજારો વર્ષથી આક્રાંતિત ભારતીય આત્માને ઝંઝોળ્યો હતો અને આજે એ જ આત્મવિશ્વાસ ભવ્ય રામમંદિરના રૂપમાં આપણી ઓળખ બની ચૂક્યો છે. તેમણે કહ્યું કે માતા
જીજાબાઈએ શિવાજી મહારાજ જેવા મહામાનવને જન્મ આપ્યો હતો. આજે જે અખંડ ભારત છે તેના નિર્માણમાં જીજાબાઈનું ખૂબ મહત્વનું યોગદાન છે . વડાપ્રધાને પોતાના માતૃશ્રી હીરાબેનને યાદ કરતા કહ્યું કે મારી માતા પણ જીવનના અંત સુધી સીતા રામનું નામ ભજતાં રહ્યા હતા.