પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમુદનું 67 વર્ષની વયે નિધન
કેન્સર સામેનો જંગ હારી ગયા 250 ફિલ્મમાં કામ કર્યું હતું
જુનિયર મહેબૂદના નામે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા નઈમ સેયદનું શુક્રવારે મુંબઈની હોસ્પિટલમાં 67 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા પખવાડિયાથી ચોથા સ્ટેજના કેન્સર સામે ઝઝુમી રહ્યા હતા.
જુનિયર મહેમુદે 1966 માં મહોબત જિંદગી હૈ ફિલ્મ થી કારકિર્દીની શરૂઆત કરી હતી.બાદમાં ૧૯૬૭માં સંજીવ કુમાર અને બલરાજ સહાની જેવા દિગ્ગજ કલાકારો સાથે નૌનિહાલ ફિલ્મમાં અભિનયના અજવાળા પાથર્યા હતા. બ્રહ્મચારી ફિલ્મ થી તેમને જુનિયર મહેમુદ તરીકેની ઓળખ મળી હતી. પાંચ દાયકાની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન તેમણે ૨૫૦ કરતાં વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું અને કેટલીક મરાઠી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું.
કટી પતંગ, મેરા નામ જોકર, પરવરિશ, દો ઔર દો પાંચ, બચપન, ગીત ગાતા ચલ, કારવા, હાથી મેરે સાથી વગેરે ફિલ્મોમાં તેમણે યાદગાર અભિનય આપ્યો હતો.
તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે તેમને મળવા ગયેલા જોની વોકર સમક્ષ તેમણે જૂના સાથી કલાકારો જીતેન્દ્ર અને સચિન પીલગાવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ એ બંને કલાકારો જુનિયર મહેમુદને મળ્યા હતા. ત્યાં તેમની હાલત જોઈ અને જીતેન્દ્ર રડી પડ્યા હતા. પાંચ દાયકા સુધી બોલીવુડમાં પોતાની લોક ચાહના અકબંધ રાખનાર આ મહાન કલાકારની જૂહુ ખાતેના કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.