દારૂનીતિ કાંડમાં કોને મળ્યું સમન્સ ? વાંચો
દારૂનીતી કાંડમાં આપના નેતાઓની સામે ઇડીની કાર્યવાહી હવે આગળ વધી રહી છે . દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. દરમિયાનમાં શનિવારે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું અને તેઓ શનિવારે જ હાજર થઈ ગયા હતા . એમની પૂછપરછ કરાઇ હતી.
ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યા બાદ કલાકોની અંદર જ તેઓ ઇડીની કચેરી પર પહોંચી ગયા હતા. તેમના પર દિલ્હીની નવી દારુ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આરોપ છે.
આ ઉપરાંત, આપ નેતા પર દક્ષિણના લીકરના વેપારી વિજય નાયરને તેમનું સરકારી આવાસ આપવાનો પણ આરોપ છે. ઈડીએ અગાઉ એમ પણ કહ્યું હતું કે કૈલાશ ગેહલોતે આ સમયગાળા દરમિયાન પોતાનો મોબાઈલ નંબર પણ ઘણી વખત બદલ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ઈડી દ્વારા દિલ્હી પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ પહેલી એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારમાં પરિવહન મંત્રી છે. તેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે.