તેલંગાણામાં મુખ્યમંત્રી સાથે કેટલા મંત્રીઓએ લીધા શપથ ?
12 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા, સોનિયા, રાહુલ,પ્રિયંકા ગાંધી, ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
કોંગ્રેસે તેલંગાણામાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સીએમ સહિત કુલ 12 મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં નાયબ મુખ્યમંત્રી તરીકે ભટ્ટી મલ્લૂએ પણ શપથ લીધા હતા. રાજ્યપાલ સુંદરરાજને શપથ લેવડાવ્યા હતા.
હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજને તેમને મુખ્યમંત્રી પદના અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડી શિવકુમાર સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત શપથ ગ્રહણ સમારોહમાં લાખો લોકોએ પણ હાજરી આપી હતી. રેવંત રેડ્ડીએ આ શપથ સમારોહના કાર્યક્રમ માટે સામાન્ય લોકોને પણ આમંત્રણ આપ્યું હતું.
ગદ્દમ પ્રસાદ કુમારને સ્પીકર બનાવવામાં આવ્યા છે. રેવંત રેડ્ડીની કેબિનેટમાં મંત્રી બનેલા નેતાઓમાં ઉત્તમ કુમાર રેડ્ડી, દામોદર રાજા નરસિમ્હા, કોમાતિરેડ્ડી વેંકટા રેડ્ડી, દુલ્લા શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, પૂનમ પ્રબાકર, કોંડા સુરેખાનો સમાવેશ થાય છે.