જ્ઞાનવાપી મસ્જિદના સંકુલમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ નહીં: હાઇકોર્ટ
આજે સતત પાંચમાં દિવસે એએસઆઈના સર્વેની થઈ કામગીરી
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને સીલ કરવા અને જ્ઞાનવાપી સંકુલમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા સબંધિત અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ આદેશ ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે આપ્યો છે. દરમિયાનમાં આજે સતત પાંચમા દિવસે સર્વેની કામગીરી જારી રહી હતી.
વારાણસીની કોર્ટમાં શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની પરવાનગી માટે કેસ દાખલ કરનાર રાખી સિંહ, જિતેન્દ્ર સિંહ બિસેન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી PILમાં એ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી સંકુલમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને જ્ઞાનવાપી સંકુલમાં જોવા મળતા હિંદુ પ્રતીકોને સુરક્ષિત રાખવાનો આદેશ આપવો જોઈએ.
બીજી તરફ જ્ઞાનવાપી સંકુલમાં સતત પાંચમા દિવસે ASI સર્વેની કામગીરી ચાલી રહી છે. આજે સવારે 8:00 વાગ્યાથી ASIની ટીમે સર્વેની કામગીરી હાથ ધરી હતી. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જ્ઞાનવાપી સંકુલમાં જોવા મળતા હિંદુ પ્રતીકોને સાચવવાનો આદેશ જારી કરવાની પણ વિનંતી કરવામાં આવી હતી.
જ્ઞાનવાપીમાં ASI સર્વેની કામગીરીને અસર ન થાય તે માટે આવી વ્યવસ્થા આપવા પણ કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી. આ અરજી અરજદારો વતી એડવોકેટ સૌરભ તિવારીએ દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે આ અંગે સુનાવણી કરી હતી.
90 વર્ષના બીમાર મનમોહનસિંહને ધરાર ગૃહમાં લાવવામાં આવતા ભાજપે કોંગીનો ઊધડો લીધો
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા 90 વર્ષીય પૂર્વ પીએમ મનમોહન સિંહને પણ ગઈકાલે કોંગ્રેસે ગૃહમાં મતદાન કરવા આમંત્રણ આપ્યું હતું. સમગ્ર ચર્ચા અને મતદાન દરમિયાન મનમોહન સિંહ વ્હીલચેર પર બેઠેલા જોવા મળ્યા હતા. દરમિયાન આને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે ઉપરાંત મનમોહન સિંહની ઉંમર અને નાદુરસ્ત તબિયત છતાં તેને ગૃહ બોલાવવા અમાનવીય ગણાવ્યા હતા.
ભાજપે ટ્વીટ કરીને કહ્યું કે, દેશ કોંગ્રેસના આ પાગલપણાને યાદ રાખશે! કોંગ્રેસે ભૂતપૂર્વ વડાપ્રધાનને મોડી રાત્રે ગૃહમાં વ્હીલચેર પર બેસાડીને આવી તબિયતમાં પણ રાખ્યા, તે પણ માત્ર તેમના બેઈમાન ગઠબંધનને જીવંત રાખવા માટે! બહુ શરમજનક વાત કહેવાય. આની સામે જવાબ આપતાં કોંગ્રેસે મનમોહન સિંહના આગમનને બંધારણના સન્માન સાથે જોડ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું, “લોકશાહી માટે ડૉ. સાહેબનું આ સમર્પણ દર્શાવે છે કે તેમને દેશના બંધારણમાં કેટલી શ્રદ્ધા છે.”
કાશ્મીરી હિન્દુ નરસંહાર કેસ ફરી ખોલવાનો નિર્ણય
પ્રથમ કેસ આતંકવાદીને મોતની સજા આપનાર નિવૃત્ત ન્યાયાધીશ ની હત્યાને લગતો છે, નગરસરથી તપાસ થશે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
ભારત સરકારે એક ઐતિહાસિક પગલું ભરીને 34 વર્ષ બાદ 1989-90ના કાશ્મીરી હિંદુ નરસંહારના કેસો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે જેમા પહેલો કેસ નિવૃત્ત ન્યાયાધીશ નીલકંઠ ગંજુની હત્યા સાથે સંબંધિત છે, જેમની 4 નવેમ્બર, 1989ના રોજ શ્રીનગરમાં યાસીન મલિકના જેકેએલએફ આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી એ હત્યા સાથે સંબંધિત વિગતો આપવા માટે આગળ આવવાની અપીલ કરી છે.
ન્યાયાધીશ ગંજુએ જ જેકેએલએફ આતંકવાદી મકબૂલ બટ્ટને મોતની સજા સંભળાવી હતી. આ સજા બ્રિટનમાં ભારતીય રાજદ્વારી રવિન્દ્ર મ્હાત્રેની હત્યાના દોષી ઠેરવ્યા બાદ આપવામાં આવી હતી. ત્રણ દાયકા પહેલા નિવૃત્ત ન્યાયાધીશ નીલકંઠ ગંજુની હત્યા પાછળના મોટા ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરવા માટે, જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સીએ એક બુલેટીન પ્રસિદ્ધ કરીને હત્યાના તથ્યો અથવા સંજોગોથી પરિચિત તમામ લોકોને આગળ આવી અને તેની જાણકારી શેર કરવાની અપીલ કરી છે.
જિલ્લા અને સેશન કોર્ટના ન્યાયાધીશ તરીકે ગંજુએ ઓગસ્ટ 1968માં જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના સ્થાપક અને નેતા મકબૂલ બટ્ટને 1966માં પોલીસ ઈન્સ્પેક્ટર અમરચંદની હત્યા માટે ફાંસી ની સજા ફટકારી હતી. નિવૃત્તિ બાદ 67 વર્ષીય ગંજુની 4 નવેમ્બર, 1989ના રોજ શ્રીનગરમાં આતંકવાદીઓએ હત્યા કરી હતી.
ન્યાયાધીશ ગંજુ દ્વારા 1968માં આપવામાં આવેલી બટ્ટની સજાને સુપ્રીમ કોર્ટે 1982માં માન્ય રાખી હતી અને બટ્ટને 1984માં તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. એક બુલેટીનમાં SIAએ ગંજુ હત્યા કેસના તથ્યો અથવા સંજોગોથી પરિચિત તમામ વ્યક્તિઓને આગળ આવવા અને ઘટનાઓની વિગતો શેર કરવા અપીલ કરી છે જે તાત્કાલિક કેસની તપાસ પર પ્રત્યક્ષ કે આડકતરી રીતે અસર કરી શકે છે. SIAએ એમ પણ કહ્યું છે કે આવા તમામ લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
